ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આજે આઠમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તા. ૨૧ મી જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આજે ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે દિવાન ધનજીશા હાઇસ્કુલમાં તાલુકા કક્ષાનો યોગ દિવસ મનાવાયો હતો.
અત્રે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં શાળાના શિક્ષકો, વિધ્યાર્થીઓ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીવનમાં યોગનું મહત્વ વર્ણવીને શરીરની તંદુરસ્તી જાળવવામાં પણ યોગ ઉપયોગી હોવાનું જણાવાયું હતું. ઉપરાંત યોગ દ્વારા માનસિક શાંતી પ્રાપ્ત થતી હોવાની વાત પણ અગ્રણીઓએ ઉચ્ચારી હતી. આજે માનવીનું જીવન ઘડિયાળના ટકોરા મુજબ સમયબધ્ધ ચાલી રહ્યુ છે અને તેને લઇને જીવનનો મોટો સમય વ્યસ્ત રહેતો માનવી માનસિક શાંતી ઇચ્છતો હોય છે ત્યારે આ માનસિક શાંતી યોગ દ્વારા મેળવી શકાતી હોય છે. આપણો ઇતિહાસ કહે છેકે આપણા પ્રાચિન ઋષિમુનિઓ પણ જીવનમાં યોગને મહત્વ આપતા હતા. ઝઘડિયા સહિત રાજપારડી ઉમલ્લા પંથકોમાં પણ શાળાઓમાં આંતરરાષ્ટ્રીય યોગદિન મનાવાયો હતો. આ પ્રસંગે વિધ્યાર્થીઓને યોગની સમજ આપવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી