ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે મકાનો ભાડે રાખીને રહેતા કેટલાક પર પ્રાંતિય ઇસમોને જરુરી પોલીસ વેરિફિકેશન કરાવ્યા વિના આડેધડ મકાનો ભાડે આપી દેવાતા હોવાની વાતો બહાર આવવા પામી છે.
ગુજરાત બહારના પર પ્રાંતિય મકાન ભાડુઆતોને કેટલાક મકાન માલિકો જરુરી પોલીસ વેરિફિકેશનની કાર્યવાહી કરાવ્યા વિના મકાનો ભાડે આપી દેતા હોવાનું જાણવા મળ્યું છે. ખરેખર પર પ્રાંતિય ઇસમોને મકાનો ભાડે આપતા પહેલા મકાન માલિકોએ પણ આ બાબતે સ્થાનિક પોલીસ મથકે જાણ કરવાની હોય છે. પરંતું વધુ ભાડાની લાલચે મોટાભાગના મકાન માલિકો સરકારી જરૂરી નિયમનું ઉલ્લંઘન કરતા હોય છે. કેટલાક મકાન માલિકો થોડું વધુ ભાડુ વસુલવાની લ્હાયમાં સ્થાનિક મકાન ભાડુતોની અવગણના કરતા હોવાની વાતો પણ જાણવા મળી છે. આને લઇને ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ થાય છે. સ્થાનિક પોલીસ આ બાબતે યોગ્ય તપાસ કરીને પર પ્રાંતિય ભાડુઆતોનું પોલીસ વેરિફિકેશન કરાવ્યા વિના આડેધડ નિયમોનું ઉલ્લંઘન કરતા મકાન માલિકો પ્રત્યે લાલ આંખ કરે તેવી માંગ ઉઠવા પામી છે. જો આ બાબતે તાકીદે જરુરી તપાસ નહી થાયતો ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ