ભરૂચ જીલ્લાએ પાછલા બે દાયકાઓ દરમિયાન ઔદ્યોગિકરણની વાતે મોટી હરણફાળ ભરી છે. જીલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં પણ સેંકડો ઔદ્યોગિક એકમો ધબકતા થયા છે, ત્યારે તાલુકામાં ઔદ્યોગિક વિકાસ તો થયો પરંતું કેટલાક ઉધોગો દ્વારા જાહેરમાં ફેલાવાતા પ્રદુષણને લઇને જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ગામોની જનતાના આરોગ્ય પર ખતરો પેદા થાય તેવી દહેશત ફેલાવા પામી છે.
ઝઘડિયા જીઆઇડીસીમાં વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ બનાવવામાં આવ્યા છે. ચોમાસામાં જ્યારે વરસાદી કાંસમાં પાણી વહેતું હોય છે ત્યારે જીઆઇડીસીના કેટલાક ઉધોગો દ્વારા વરસાદી પાણીની ઓથમાં આ કાંસમાં પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. પ્રદુષણ અટકાવવા માટે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કાર્યરત છે, પરંતું ચોમાસામાં વરસાદી કાંસમાં આડેધડ પ્રદુષિત પાણી છોડતા ઉધોગો પર કેમ કડક પગલા નથી લેવાતા? આ વાતને જીપીસીબીનો અણઘડ વહિવટ કહેવો કે પછી મિલીભગત? આ રીતે જાહેરમાં વહેતું પ્રદુષિત પાણી ખાડીમાં થઇને નર્મદામાં જાય છે. તેને લઇને નર્મદાનું પાણી તો પ્રદુષિત થાય જ છે, પરંતું જળચર જીવોને નુકશાન થવા ઉપરાંત ખાડી નજીકની ખેતીની જમીનને પણ નુકશાન થતું હોવાની ચર્ચાઓ ઉઠતી હોય છે. હાલ ચોમાસાના દિવસો શરુ થઇ ગયા છે ત્યારે જાહેરમાં પ્રદુષણ ફેલાવતા ઉધોગો પર નજર રાખીને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કડક પગલા ભરે તે જરૂરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ