ભરૂચ જીલ્લાના ઝઘડિયાના વાલિયા રોડ પરથી ફુલવાડી ગામ તરફ જતો માર્ગ ઠેરઠેર બિસ્માર બની ગયો છે. ઘણા સ્થળે રોડ પરનો ડામર ઉખડી જઇને પત્થરો છુટા થઇને રોડ પર જ્યાંત્યાં વિખરાયેલા નજરે પડે છે.
ઉલ્લેખનીય છેકે ફુલવાડી ગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલું ગામ છે. આ રસ્તા પરથી ફુલવાડી ગામમાં થઇને જીઆઇડીસી તરફ પણ જવાતું હોય છે. ઝઘડિયા તરફથી જીઆઇડીસીમાં જવા વાળા ઘણા નાના વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. જીઆઇડીસીમાં નોકરી કરતા ઘણા બાઇક ચાલકો પણ આ માર્ગનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે, જીઆઇડીસીના ઔદ્યોગિક એકમો ભેગા મળીને જીઆઇડીસી વિસ્તારમાં આવતા ગામોના રસ્તા વ્યવસ્થિત કેમ ના બનાવી શકે? ઝઘડિયા તાલુકો મહદઅંશે આદિવાસી વસતિ ધરાવતો તાલુકો છે. જીઆઇડીસીની રચના માટે આદિવાસી ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનોનો ભોગ આપ્યો છે, ત્યારે જીઆઇડીસી પંથકના ગામોની જનતા પણ સુવિધાઓ બાબતે અપેક્ષા રાખે તે સ્વાભાવિક ગણાય ! જેતે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રસ્તાઓની સગવડ મહત્વપૂર્ણ મનાય છે,ત્યારે જીઆઇડીસીના ઉધોગોના સીએસઆર ફંડમાંથી જીઆઇડીસી વિસ્તારના ગામોના રસ્તાઓ કેમ સુંદર ના બનાવાય? કરોડો રુપિયાનું સીએસઆર ફંડ ક્યાંક્યાં વપરાય છે તેનો યોગ્ય જવાબ મળશે ખરો?
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ