ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે એક ઘરના પાછળના વાડામાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ ઉમલ્લા પોલીસને બાતમી મળી હતી કે પાણેથા ગામે રહેતો અજય ખોડાભાઇ વસાવા તેના ઘરની પાછળના વાડામાં વિદેશી દારુનું વેચાણ કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા આ ઇસમ ઘરે હાજર મળ્યો નહતો. તપાસ દરમિયાન તેના ઘરના પાછળના વાડામાં મીણીયા થેલામાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રુ.૮૦૦૦ ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો કબજે લઇને ઘરે હાજર નહી મળેલ અજયભાઇ ખોડાભાઇ વસાવા રહે.પાણેથા, તા.ઝઘડિયા, જી.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયથી ઝઘડિયા તાલુકામાં વિદેશી દારુ ઝડપાવાની ઘટનાઓ બની રહી છે, તેને લઇને તાલુકામાં વિદેશી દારુનું મોટું નેટવર્ક હોવાની આશંકા જણાય છે. જોકે તાલુકામાં અવારનવાર દેશી વિદેશી દારુ ઝડપાવાની ઘટનાઓને લઇને દારુના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાવા પામ્યો હોવાની વાતો સામે આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ