ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા પરથી ધોરીમાર્ગ પસાર થાય છે. નગરના ચાર રસ્તા નગરને ભરૂચ અંકલેશ્વર રાજપિપલા નેત્રંગ જેવા મથકો સાથે જોડે છે. આ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસના જવાનો ફરજ બજાવતા હોય છે. એક મહત્વનું વેપારી મથક હોવાના નાતે રાજપારડીના ચાર રસ્તા પર સવારથી લઇને રાત પડતા સુધી આજુબાજુના ગામોની જનતાનો ઝમેલો રહે છે. આજરોજ સવારના સાડા આઠ વાગ્યાની આસપાસના સમયે રાજપારડી ચાર રસ્તા પરથી શાકભાજી લઇને જતી એક હાથલારીને એક ટ્રકે ટક્કર મારતા હાથલારીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. લારીમાં ભરેલ શાકભાજી રોડ પર વેરણછેરણ થઇ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે રાજપારડીના ચાર રસ્તા પર સવારથી સાંજ સુધી ટ્રાફિક પોલીસના જવાનો ફરજ બજાવે છે, છતાં આવા અકસ્માત સર્જાય ત્યારે ફરજ બજાવતા ટ્રાફિકના જવાનોની કામગીરી બાબતે સવાલો ઉઠે એ સ્વાભાવિક ગણાય. આજના આ અકસ્માતમાં સદભાગ્યે કોઇ જાનહાની નહી થતાં તંત્રએ રાહત અનુભવી હતી. ટ્રક ચાલકે હાથલારીને અડફેટમાં લેતા ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. મળતી વિગતો મુજબ આ ઘટના બાબતે કોઇ પોલીસ ફરિયાદ લખાવા નથી પામી. આ ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ એ એક સદભાગ્ય ગણાય, પરંતું આ અકસ્માત બાદ ફરીવાર કોઇ જીવલેણ અકસ્માત નહી થાય તેની શું ખાતરી? ત્યારે ચોકડી પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના જવાનો આ બાબતે ખાસ ચોકસાઈ રાખીને અસરકારક ભુમિકા અપનાવે તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ