ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ તાલુકા કિશાન સંઘ દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને અપાયેલ આ આવેદનમાં જણાવાયું હતું કે હાલના સમયે ખેડૂતોને કૃષિ વિષયક વીજ પુરવઠો બે રીતે અપાય છે. આ વીજ પુરવઠો મોટરના હોર્સ પાવર મુજબ નિયત કરેલ વીજદર પ્રમાણે તેમજ બીજી રીતે મિટર મુકીને વીજ વપરાશના આધારે વીજદર નક્કી કરાય છે. આને લઇને મિટર આધારિત વીજપુરવઠો મેળવતા ખેડૂતોને નુકશાન થાય છે. તેને લઇને આવેદનમાં માંગ કરવામાં આવી હતીકે મિટર આધારિત ખેડૂતોને હોર્સ પાવર આધારિત નિયત ભાવથી વીજપુરવઠો આપવામાં આવે. ઉપરાંત ખેડૂતોના અન્ય કેટલાક પ્રશ્નો બાબતે પણ આવેદનમાં રજુઆત કરવામાં આવી હતી. રિસર્વેમાં ખેડૂતોને થતી હેરાનગતિ દુર કરવા પણ કિશાનો દ્વારા માંગ કરવામાં આવી હતી. ઉપરાંત ઝઘડિયા તાલુકાના ફુલવાડી કપલસાડી દુ.બોરીદ્રા ગોવાલી ખરચી સરદારપુરા ઉંટિયા નવાગામ કરારવેલ રાણીપુરા ઉચેડિયા ઝઘડિયા કુંવરપરા અંધારકાછલા લિમોદરા તેમજ વાઘપુરા જેવા કેટલાક ગામોના ખેડૂતોને કેનાલનું પાણી મળતું નથી એમ જણાવી આ બાબતે યોગ્ય કરવા માંગ કરવામાં આવી હતી. તાલુકામાં વધી રહેલા પ્રદુષણને લઇને ખેતીના પાકને નુકશાન થવા ઉપરાંત ભુગર્ભ જળ દુષિત થવાના કારણે બોરમાં દુષિત પાણી આવતું હોવાની ફરિયાદ સાથે આવેદનમાં રજુઆત કરીને તાકીદે ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ લાવીને ન્યાય આપવા માંગ કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ