ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે બકરીઓ ચરાવવા ગયેલ ઇસમની બકરીઓ અન્ય ઇસમ ભગાડતો હોઇ, ભગાડવાનું ના પાડતા તે ઇસમે બકરીઓના માલિક પર કુહાડીથી હુમલો કર્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે.
ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના શાંતિનગર ફળિયા ખાતે રહેતો અલ્પેશભાઇ કનુભાઇ વસાવા નામનો યુવક પશુપાલનનો વ્યવસાય કરે છે. ગતરોજ તા.૫ મીના રોજ અલ્પેશ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઝઘડિયા એપીએમસી માર્કેટની બાજુમાં બકરા ચરાવવા ગયો હતો. બકરીઓ ચરતી હતી ત્યારે ઝઘડિયાના ડબ્બા ફળિયા ખાતે રહેતો ગીરીશભાઇ બચુભાઇ વસાવા ત્યાં આવીને બકરીઓને ભગાડવા લાગ્યો હતો. અલ્પેશે બકરીઓ શુ કામ ભગાડે છે, એમ પુછતા ગીરીશ ગાળો બોલવા લાગ્યો હતો. તેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઇને ઝપાઝપી કરવા લાગ્યો હતો. ત્યારબાદ ગીરીશે અલ્પેશને પીઠ પર કુહાડીના ગોદા માર્યા હતા. ઉપરાંત અલ્પેશને કુહાડીની મુંદર અછરતી કાન પર વાગી ગઇ હતી. તેમજ ગીરીશે અલ્પેશને કુહાડીના લાકડાના હાથાથી પીઠ પર સપાટા માર્યા હતા. આ દરમિયાન બુમાબુમ થતા ગીરીશનું ઉપરાણું લઇને અન્ય બે ઇસમોએ પણ અલ્પેશને ઢિકાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્ત અલ્પેશને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઘટના સંદર્ભે અલ્પેશભાઇ કનુભાઇ વસાવા રહે.ઝઘડિયાનાએ ગીરીશભાઇ બચુભાઇ વસાવા, બિપીનભાઇ ચંદુભાઇ વસાવા તેમજ વિશાલ બિપીનભાઇ વસાવા ત્રણેય રહે.ઝઘડિયા, જી.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ