ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે જીએમડીસી ફળિયા ખાતે રહેતા એક ઇસમને એક મહિલા સહિત ચારે માર મારી ધમકી આપી હોવાની ફરિયાદ લખાવા પામી છે.
વિગતો અનુસાર રાજપારડી જીએમડીસી ફળિયા ખાતે રહેતો અર્જુનભાઇ પરસોત્તમભાઇ વસાવા ગત તા.૩૧ મીના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં ઘરના વાડામાં કેરી પાડતો હતો ત્યારે તેના ઘર નજીક રહેતી હિનાબેન વસાવા ગમેતેમ ગાળો બોલીને કહેવા લાગેલ કે તમારા ઘરની બાજુમાં આવેલ પંચાયતની જમીનમાં અમારો પણ ભાગ છે, તેમાં તમોએ વાડ કરી દીધી છે.અમારો ભાગ આપતા નથી. તે સમયે હિનાબેનના પતિ ધર્મેશભાઇ તેમજ નિલેશભાઇ અને રોહિતભાઇ દોડી આવ્યા હતા. આ લોકો ગાળો બોલવા લાગ્યા હતા. આ ઝઘડા દરમિયાન અર્જુનને લાકડીના સપાટા તેમજ ઢિકાપાટુનો માર મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આ લોકો તારા ઘરની નજીકમાં આવેલ પંચાયતની જમીનમાં ભાગ નહી આપે તો જાનથી મારી નાંખીશુ એવી ધમકી આપીને જતા રહ્યા હતા. આ બાબતે અર્જુન વસાવાએ હિનાબેન ધર્મેશભાઇ વસાવા, ધર્મેશભાઇ વિષ્ણુભાઇ વસાવા, નિલેશભાઇ વિષ્ણુભાઇ વસાવા તેમજ રોહિતભાઇ વિષ્ણુભાઇ વસાવા તમામ રહે.જીએમડીસી રોડ ફળિયું રાજપારડી, તા.ઝઘડિયાના વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી