ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે એક મહિલા પર ચાર ઇસમોએ હુમલો કરતા પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી. વિગતો મુજબ ભાલોદ ગામે નવી વસાહતમાં રહેતી ભાવનાબેન રમણભાઈ માછી નામની મહિલાના ઘરની આગળના ભાગમાં તેમણે અડાળી બનાવેલ હતી. અડાળીનો એક થાંભલો નમી ગયેલ હોઇ તેને માટી નાંખીને સીધો કરેલ હતો. દરમિયાન આ બાબતની રીષ રાખીને રાજુભાઇ શનાભાઇ માછી, રાજુભાઇ મોતીભાઇ માછી, વિજયભાઇ રાજુભાઇ માછી તેમજ સુરેશભાઈ રાજુભાઇ માછી તમામ રહે.નવી વસાહત ભાલોદ, તા.ઝઘડિયા, જી.ભરૂચના પાવડો ધારીયુ તેમજ લાકડી લઇને આવ્યા હતા, અને ભાવનાબેનની કોલેજમાં અભ્યાસ કરતી દિકરી દેવ્યાનીબેનને ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા. અને રાજુભાઇ શનાભાઇ માછી કહેવા લાગેલ કે તમે તમારા ઘરની આગળ જે અડાળી બનાવી છે તે જગ્યા અમારી છે. ત્યારે ભાવનાબેને તેઓને જણાવ્યું હતુંકે મેં મારા ઘરની આગળ મારી જગ્યામાં અડાળી બનાવી છે. આ સાંભળીને આ ઇસમો ઉશ્કેરાઇ ગયા હતા અને ભાવનાબેનને માર મારવા લાગ્યા હતા. આ ઇસમોએ ભાવનાબેન ઉપરાંત તેમના પતિ, દિકરા અને દિકરીને માર માર્યો હતો, તેમજ આ ઇસમોએ ભાવનાબેનના કપડા પણ ફાડી નાંખ્યા હતા. આ ઝપાઝપી દરમિયાન દેવ્યાનીએ ગળામાં પહેરેલ દોઢ તોલા વજનની સોનાની ચેન તુટીને પડી ગઇ હતી અને શોધવા છતાં મળી નહતી. આ ઘટના બાબતે ભાવનાબેન માછીએ તેમના કપડા ફાડીને તેમને અને તેમના પરિવારને માર મારનાર ઉપરોક્ત ચાર ઇસમો સામે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી