ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા આગામી ચોમાસાને અનુલક્ષીને એક જીલ્લા અને ૯ તાલુકા મથકો ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે ૧૦ સહિત કુલ ૧૬ નાયબ મામલતદારોની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ હાલ ઉનાળો પુર્ણ થવાની તૈયારીમાં છે અને ચોમાસુ નજીકમાં છે ત્યારે ચોમાસામાં વાવાઝોડા ઉપરાંત પુરની સંભાવનાને ધ્યાને લઇને રાહત તેમજ બચાવની કામગીરી તેમજ ચોમાસાની મોસમમાં પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે પુર નિયંત્રણ કેન્દ્રો પણ કાર્યરત કરવામાં આવ્યા છે. જીલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા આજથી ૩૦ નવેમ્બર સુધી ૬ મહિનાના સમયગાળા માટે જીલ્લા મથક ખાતે એક અને જીલ્લાના ૯ તાલુકા મથકોએ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. શરુ કરાયેલ ૧૦ પુર નિયંત્રણ કેન્દ્રો ઉપર ૧૦ નાયબ મામલતદારોની બદલી કરીને તેમને ચાર્જ સોંપાયા છે. ઉપરાંત ૬ અન્ય નાયબ મામલતદારોની રજીસ્ટ્રી, મતદાર યાદી તેમજ મહેસુલ વિભાગમાં બદલી કરવામાં આવી છે. આગામી ૬ મહિનાના સમયગાળા દરમિયાન ૧૦ નાયબ મામલતદારો જીલ્લાના મુખ્ય મથક ખાતે અને તાલુકા મથકોએ ચોમાસા દરમિયાન વરસાદની સ્થિતિ ઉપર નજર રાખીને રાહત બચાવની કામગીરીમાં રહેશે. ઉલ્લેખનીય છેકે જીલ્લામાં નર્મદા ડેમ તેમજ નર્મદા નદી સહિતની અન્ય નદીઓને લઇને ચોમાસામાં ઘણીવાર પુરની સ્થિતિ પેદા થાય છે , ત્યારે કેટલીકવાર વૃક્ષો તેમજ મકાનો પડવાની ઘટનાઓ બનવા ઉપરાંત રસ્તાઓ પણ ધોવાય છે. વળી ઘણીવાર આકાશી વીજળીના બનાવો પણ બનતા હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરુચ