ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા નજીક વહેતી નર્મદા નદીમાં શનિ રવિની રજાઓ દરમિયાન સ્નાન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શનિવાર રવિવારના મીની વેકેશન દરમિયાન લોકોએ નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીમાં રાહતનો અનુભવ લીધો હતો, અને રજાની મજા માણી હતી. હાલ રાજ્યભરમાં લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીમાં રાહત મેળવવા લોકો નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવતા દેખાયા હતા.
ઝઘડિયા તાલુકાના પાણેથા નજીકથી વહેતી નર્મદા નદીમાં હાલ પાણી ઓછુ હોવાથી આજુબાજુની જનતા ગરમીથી રાહત લેવા નદી તટે ઉમટી પડી હતી, અને નદીના શીતળ જળમાં સ્નાન કરીને કાંઠા પર વેચાતા મકાઇ, પાપડીનો લોટ જેવી ખાદ્યચીજોની લિજ્જત માણી આનંદ મેળવ્યો હતો. ઝઘડિયાના પાણેથા નજીક વહેતી નર્મદા નદીના સામા કાંઠે વડોદરા જીલ્લાનો વિસ્તાર છે. રજાઓ દરમિયાન ઝઘડિયા તાલુકાના રાજપારડી, ઉમલ્લા, ઝઘડિયા પંથકના લોકો સ્નાન કરવા ઉમટ્યા હતા, જ્યારે બીજી તરફ સામા કાંઠે વડોદરા જીલ્લાના દિવેર ગામના કિનારે પણ સેંકડો લોકો સ્નાન કરવા ઉમટી પડ્યા હતા. ગરમીમાં રાહતની સાથેસાથે લોકોએ પર્યટનની મજાનો પણ લહાવો લીધો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ