ભરુચ જીલ્લાના ઝઘડિયા ખાતે એક દિવસીય સમર ઇન્ડક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તેમજ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન કૉલેજ ઝઘડીયા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જીલ્લાની વિવિધ કોલેજો અને ગ્રામ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે ગતરોજ તા.૨૬ મીના રોજ ગુરુવારે યોજાયેલ આ કેમ્પમાં ભરૂચ જીલ્લાની ૧૨ કોલેજના વિદ્યાર્થીઓ, ઇનોવેશન કલ્બ કૉ-ઓર્ડીનેટર તેમજ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં ગુજકોસ્ટના ટ્રેનર મયૂરીબેન વસાવા દ્વારા વિદ્યાર્થીઓને જુદીજુદી ૧૦ ડીઆઇવાય કીટ સંબંધી માહિતી આપવામાં આવી હતી, અને આ કીટનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ અવનવા નવા પ્રોજેક્ટ તૈયાર કરી શકે એ વાતની સમજ આપી હતી. આયોજિત કેમ્પમાં ભરૂચ જિલ્લાના નોડલ ઓફિસર તેમજ સરકારી વિનયન કોલેજ ઝઘડિયાના આચાર્ય ડૉ. જયેશ પુજારાએ અત્રે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સ્થાપિત ઇનિવેશન કલ્બ તેમજ તેની વિવિધ પ્રવૃતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ઇનોવેશન કરી શકે એ માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ઉત્સાહથી વિવિધ કીટનો પરિચય મેળવ્યો હતો તેમજ કીટનો ઉપયોગ કરીને તેઓ ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવશે એવી લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સંચાલન સરકારી વિનયન કૉલેજના ઇનોવેશન કલ્બ કો-ઓર્ડીનેટર ડૉ. ભારતી પટેલે કર્યુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરુચ