ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડી હતી, તેને લઇને માર્ગ ઠેરઠેર ગાબડાઓ પડીને જૈસેથે સ્થિતિમાં આવી ગયો હતો. ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા પરથી પસાર થતો આ ધોરીમાર્ગ પણ તેની બંધ થયેલ કામગીરીને લઇને જનતાને હાલાકિ આપી રહ્યો હતો. દરમિયાન હાલમાં રાજપારડી ચાર રસ્તાની બન્ને તરફ આ માર્ગ પર ડામર પાથરીને દુરસ્ત કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. રાજપારડી ગ્રામ પંચાયતના સદસ્ય નિલેશભાઇ ચૌહાણે સ્થળ ઉપર ઉભા રહીને માર્ગ દુરસ્ત કરવાની કામગીરી નિહાળી હતી. તેમજ માર્ગ દુરસ્તીની કામગીરી અંતર્ગત યથાયોગ્ય સુચન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાનું રાજપારડી નગર એક મહત્વનું વેપારી મથક છે. અને નગરના ચાર રસ્તા પરથી પસાર થતો ધોરીમાર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો મહત્વનો માર્ગ મનાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ