ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામે રહેતા પઠાણ આમીરખાન લિયાકતખાને ૧૫ દિવસ પહેલા ગુગલ પ્લે સ્ટોર પરથી લોન બ્રો નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ તેમણે આ એપ્લીકેશનના માધ્યમથી રુ.૨૫૦૦ ની લોન લીધી હતી. તેમના જણાવ્યા મુજબ આ લોનની તેમણે સમયસર ચુકવણી કરી દીધી હતી. ત્યારબાદ ગતરોજ તા.૨૩ મીના રોજ તેમના મોબાઇલ પર કોઇ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ દ્વારા જણાવ્યુ હતું કે તમારી લોનનું પેમેન્ટ બાકી છે, તમે ભરપાઈ કરી દો. જો રકમ ભરપાઇ નહી કરો તો તમારા જુઠા બનાવેલ અશ્લિલ ફોટા તમારા પરિવારને મોકલીને તમને બદનામ કરીશ. ત્યારે આમીરખાને જણાવેલ કે મેં લોન ભરી દીધેલ છે, તમે ખોટી કનડગત ના કરો. તેમણે માંગણી કરેલ રકમ ન આપતા તેમના જુઠા બનાવેલ અશ્લિલ ફોટા તેમના સંપર્કની વ્યક્તિઓને મોકલાયા હતા. આ કૃત્ય બે દિવસથી થતું હોવાની જાણ થઇ હતી. મિત્રો અને સંબંધીઓમાં આ મુજબની ખોટી બદનામી થઇ હોવાની વાત સાથે પઠાણ આમીરખાન લિયાકતખાને રાજપારડી પોલીસમાં તેમને બદનામ કરનાર આ અજાણ્યા મોબાઇલ નંબરવાળા ઇસમ વિરુધ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે આ અજાણ્યા મોબાઇલ નંબરવાળા ઇસમને તાકીદે ઝડપી લઇને તેની સાથે સખત કાર્યવાહી કરવામાં આવે, જેથી આવા કૃત્યનો ભોગ અન્ય વ્યક્તિઓના બને. રાજપારડી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ