હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલના ભાવમાં રુ.૯.૫૦ તેમજ ડિઝલમાં રુ.૭ જેટલો ઘટાડો થયો છે. ત્યારે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાજપા અગ્રણી અને ગુજરાત હસ્તકલા નિગમના પૂર્વ ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યાએ જીલ્લા કલેક્ટરને ઉદ્દેશીને એક વિડિઓ જારી કર્યો છે. વિડિઓ સંદેશ દ્વારા તેમણે જણાવ્યુ હતુ કે જ્યારે જ્યારે પેટ્રોલ ડિઝલના ભાવ વધે છે ત્યારે શાકભાજીથી લઇને જીવન જરુરિયાતની વિવિધ ચીજ વસ્તુઓના વેપારીઓ પણ ટ્રાવેલીંગ ખર્ચ મોંઘો થયો એમ જણાવીને આ વસ્તુઓના ભાવ પણ વધારે છે. ત્યારે પેટ્રોલ ડિઝલના ભાવ ઘટતા આવા વેપારીઓએ પણ અન્ય જરૂરી ચીજ વસ્તુઓના ભાવ પણ ઘટાડવા જોઇએ, જેથી જનતાને રાહત થાય. આ વિડિઓ સંદેશના માધ્યમથી તેમણે જીલ્લા કલેક્ટરને અપીલ કરી છેકે જીવન જરુરિયાતની વસ્તુઓના ભાવ નહિ ઘટાડતા વેપારીઓ પ્રત્યે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. તેમણે વિવિધ વેપારી એસોસિયેશનોને અપીલ કરતા જણાવ્યુ હતુકે જ્યારે જ્યારે પેટ્રોલ ડિઝલના ભાવ વધે છે ત્યારે તમે જરુરી ચીજવસ્તુઓના ભાવ વધારો છો, તો પેટ્રોલ ડિઝલના ભાવ ઘટતા અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ ઘટવા જોઇએ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ