ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે આજે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં રાજપારડી સહિત આજુબાજુના ગામોએથી આવેલ લોકોના વિવિધ કામોનો સ્થળ ઉપર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે સમગ્ર રાજ્યમાં આઠમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયેલ છે. સેવાસેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલી ૫૬ સેવાઓને આવરી લેવામાં આવતી હોય છે. આ સેવાઓમાં વિધવા સહાય, વૃધ્ધ સહાય, દિવ્યાંગ સહાય, આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા, આવાસ તેમજ આરોગ્ય યોજના સહિતના વિવિધ કામોનો સ્થળ ઉપર નિકાલ કરવાની કામગીરી સેવાસેતુ કાર્યક્રમમાં હાથ ધરાતી હોય છે. સરકારી વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને ઘરઆંગણે મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાતા હોય છે. આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ ગામોના તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકામાં યોજાતા સેવાસેતુ કાર્યક્રમોમાં જેતે સેવાસેતુમાં સમાવાયેલ ગામોના નાગરીકોના વિવિધ કામોનો ઘરઆંગણે નિકાલ થતો હોવાથી સેવાસેતુના કાર્યક્રમ આવકારદાયક ગણાય છે. આજે રાજપારડી ગામે સેવાસેતુ કાર્યક્રમમાં રાજપારડી સહિત આજુબાજુના ગામોના નાગરિકો તેમના વિવિધ કામોને લઇને મોટી સંખ્યામાં આવ્યા હતા. અત્રે આયોજિત સેવાસેતુના કાર્યક્રમમાં લોકોના કામો પુરા કરવા ફરજ પરના કર્મચારીઓએ નિષ્ઠાપુર્વક સેવા બજાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ