ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આજે અખાત્રીજ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્યરીતે ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે ધરતીપુજન કરીને ખેતીકામની શરુઆત કરાતી હોય છે. અખાત્રીજના દિવસે શુભકાર્યોની શરુઆત કરવામાં આવે છે. ત્યારબાદ લગ્નો અને શુભકાર્યોની શરુઆત થઈ જતી હોય છે. આજે અખાત્રીજ નિમિત્તે ઝઘડીયા તાલુકાના ખેડૂતોએ ખેતરોમાં પૂજાવિધિ કરી ખેતીનું મુહૂર્ત કર્યુ હતું. ઝઘડીયા તાલુકાની ૮૫ ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે. તેથી તાલુકામાં અખાત્રીજનું ઘણું મહત્વ છે. આજે ખેડૂતો વહેલી સવારે સ્નાન કરીને ધરતીપૂજા કરવા માટે કંકુ, ચોખા, ફુલો, નાળિયેર, ગોળ, ધાણા, પાણી ભરેલો તાંબાનો લોટો જેવી જરુરી સામગ્રી લઇને ખેતરોએ પહોંચ્યા હતા. ખોદવા માટે લાલ નાડાછડી બાંધેલ કોદાળી સાથે પોતાના ખેતરોએ જતા નજરે પડ્યા હતા. ખેતરોમા ખેતીકામનું ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું અને આવનારી મોસમમાં સારો પાક થાય તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ ખેતરની સાફ સફાઈ કરીને ખેતીકામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
અખાત્રીજનો દિવસ ખેડૂતો માટે મહત્વનો દિવસ મનાય છે. અખાત્રીજનો દિવસ શુભ હોવાથી લગ્ન પ્રસંગ, ઘરનું વાસ્તુ પૂજન તેમજ અન્ય શુભ પ્રસંગોની શરુઆત અખાત્રીજથી કરવામાં આવે છે. જરુરી વસ્તુઓની ખરીદી માટે પણ અખાત્રીજનો દિવસ શુભ મનાતો હોઇ તાલુકામાં તેને લગતી કામગીરી થતી પણ નજરે પડી હતી. અખાત્રીજના દિવસે ખેડૂતો ખેતીકામ માટે નવા માણસ પણ રાખતા હોય છે. આજે સમગ્ર ઝઘડીયા તાલુકામાં અખાત્રીજ પર્વની ઉત્સાહમય માહોલમાં ઉજવણી કરવામા આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ