પવિત્ર રમઝાન માસની વિદાય બાદ આવતા ઇદના પર્વની સમગ્ર ઝઘડીયા તાલુકામાં ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી. હિન્દુ ધર્મમાં જેવી રીતે શ્રાવણ મહિનો ઉપવાસનો મહિનો ગણાય છે, તેમ મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોજા( ઉપવાસ) રાખવામાં આવતા હોય છે. રમઝાન મહિનાનો ચાંદ દેખાતાજ સમગ્ર મુસ્લિમ વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઇ જતો હોય છે. રોજો એટલે મળશ્કેથી લઇને સાંજે સુર્યાસ્ત સુધી ખાવુ પીવુ જેવી માનવીય ઇચ્છાઓનો અલ્લાહને માટે ત્યાગ કરવો. રમઝાન માસમાં રાત્રે ઇસાની નમાજની સાથેસાથે રમઝાનને લઇને ખાસ વધારાની તરાવીહની નમાજ પણ પઢવામાં આવે છે. આખો મહિનો રોજા રાખ્યા બાદ ઇદનો ચાંદ દેખાતા સવારના ઇદ મનાવાતી હોય છે. ઇદ એટલે ખુશીનો તહેવાર. શાંતિ અને ભાઇચારાનો સંદેશ લઇને આવતા ઇદના તહેવાર નિમિત્તે એકબીજાને ઇદની મુબારકબાદ પેશ કરાતી હોય છે.
ઇદના દિવસે વહેલી સવારથીજ નાના બાળકોથી લઇને યુવાનો તેમજ વૃધ્ધો સહિત તમામ મુસ્લિમ બિરાદરો નવા કપડા પહેરીને ઇદના પર્વની ઉજવણીનો આનંદ લેતા હોય છે. ઇદના દિવસે મસ્જિદોમાં ઇદની નમાજ પઢવામાં આવતી હોય છે. આજરોજ ઝઘડીયા તાલુકામાં રમઝાન ઇદના પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી. તાલુકાના ઝઘડીયા, સુલતાનપુરા, લિમોદરા, કપલસાડી, રતનપુર, રાજપારડી, વણાકપોર, ભાલોદ, તરસાલી, ઉમલ્લા, ઇન્દોર, વેલુગામ સહિતના વિવિધ ગામોએ મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહમય માહોલ વચ્ચે ઇદનો તહેવાર મનાવ્યો.
આ પ્રસંગે મસ્જિદોમાં ઇદની નમાજ બાદ મૌલાનાઓએ દુઆઓ માંગી હતી. તાલુકાના વિવિધ ગામોએ હિન્દુ ભાઇઓએ મુસ્લિમ બિરાદરોને ઇદની મુબારકબાદ પાઠવી હતી. ઉલ્લેખનીય છેકે વિતેલા બે વર્ષો દરમિયાન કોરોના મહામારીને લઇને તહેવારોની ઉજવણી શક્ય બની નહતી. ત્યારે માહોલ પુર્વવત બનતા જનતાના મુખ પર સ્વાભાવિકપણે તહેવારોની ઉજવણીનો થનગનાટ દેખાય છે. આજે રમઝાન ઇદનું પર્વ સમગ્ર ઝઘડીયા તાલુકામાં પરંપરાગત ઉત્સાહમય અને ભાઇચારાના માહોલ વચ્ચે મનાવાયું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ