ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા વેલુગામ પંથકના ગામોએ બસ સુવિધા ઉપલબ્ધ બનાવવા માંગ કરવામાં આવી છે. આ પંથકના ગામોના સરપંચો દ્વારા આ પંથકમાં તાકીદે બસ સેવા શરુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પંથકમાં પહેલા ઝઘડીયા અંકલેશ્વર ભરુચ તેમજ વડોદરાના રૂટ પરની બસ સેવા ચાલતી હતી. થોડા વર્ષો પહેલા બસો બંધ કરવામાં આવી હતી, પરંતું ત્યારબાદ બંધ થયેલ બસસેવા ફરીથી ચાલુ કરવા તંત્ર દ્વારા કોઇ રસ બતાડવામાં આવ્યો નથી. વધુમાં જણાવાયા મુજબ હાલ એક જ સમય માટે બસ ચાલે છે અને તે પણ અનિયમિત છે. પાણેથા વેલુગામ ઇન્દોર પંથકના નર્મદા કાંઠા વિસ્તારના ૧૮ જેટલા ગામોના વિધ્યાર્થીઓ પણ બસ સેવાના અભાવે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ પંથકના વિધ્યાર્થીઓને અભ્યાસ માટે રાજપિપલા ભરૂચ જેવા સ્થળોએ અપડાઉન કરવામાં હાલ તકલીફ પડી રહી છે.ઉપરાંત ઝઘડીયા તેમજ ભરૂચ ખાતે તાલુકા જિલ્લાના કામો માટે જવા આવવામાં પણ અગવડ પડે છે. આ પંથકની જનતાએ બસોના અભાવે નાછુટકે ખાનગી વાહનોની મોંઘી અને જોખમી મુસાફરી કરવી પડે છે. ત્યારે આ પંથકના ગામોની જનતાની સુવિધા માટે તાકીદે બસ સેવા ચાલુ કરાય તેવી માંગ કરવામાં આવી છે. આ માટે ઝઘડીયા એસટી ડેપો તેમજ ભરુચ ડિવિઝનના સત્તાવાળાઓ તાકીદે આ પંથકની જનતાના વિશાળ હિતમાં યોગ્ય પગલા ભરે તે ઇચ્છનીય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ