રાજકોટ જિલ્લાનું એક પરિવાર હાલ ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામે ભાડાના મકાનમાં રહે છે. પરિવારના બે મુખ્ય સદસ્ય એવા પતિ પત્નિ બન્ને નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ યુગલને સંતાનમાં એક સગીર વયની દિકરી અને તેનાથી નાનો દિકરો છે. ગત તા.૨૫ મીના રોજ પરિવારના બધા સભ્યો ઘરે હાજર હતા તે દરમિયાન આ ૧૪ વર્ષ અને ૭ મહીનાની ઉંમરની સગીર વયની છોકરી સાંજના પાંચ વાગ્યાના અરસામાં કોઇને કંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. ત્યારબાદ તેની શોધખોળ કરવા છતાં તે મળી નહતી. ત્યારપછી સાંજના સાતેક વાગ્યાના સમયે સગીરાના પિતાના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ રીસીવ કર્યો તો તેમની ઘરેથી જતી રહેલ દિકરી બોલતી હતી, અને તે કહેતી હતી કે હું વાલિયા ખાતે આવેલ છુ અને મારી શોધખોળ કરતા નહિ.તેમ જણાવી તેણે ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ સગીરાના માબાપને ખબર મળી હતીકે તલોદરા ગામનો મોકસુ નામનો છોકરો લગ્ન કરવાની લાલચ આપીને તેમની સગીર વયની દિકરીને ભગાડી ગયેલ છે. તેમની દિકરી સગીર વયની હોવા છતાં તેને લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે ભગાડી જવામાં આવી હોઇ સગીરાની માતાએ આ મોકસુ નામનો યુવક તેમની દિકરીને ભગાડી ગયાના આક્ષેપ સાથે ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ