ભruચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં જઇ રહેલ એક ખાલી ટેન્કર આગની લપેટમાં આવી જતા તેના ટાયર સળગી ગયા હોવાની ઘટના બનવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગતરોજ તા.૨૪ મીના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ફુલવાડી અને કપલસાડી ગામો વચ્ચેના માર્ગ પરથી એક ખાલી ટેન્કર જીઆઇડીસીની એક કંપનીમાં જઇ રહ્યુ હતું, તે દરમિયાન આ ટેન્કરમાં આગ લાગી હોવાની ખબર તાલુકાભરમાં ફેલાઇ જવા પામી હતી. ટેન્કરમાં લાગેલ આગમાં તેના ટાયર બળી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ સ્થાનિક રહીશો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તે સમયે ઝઘડીયા પોલીસ દ્વારા જાણવા મળ્યુ હતું કે રસ્તા પર બે વાહન સામસામે આવી જતા આ ટેન્કર એક તરફ રોડની બાજુમાં ઉતર્યુ હતું, તે દરમિયાન વીજલાઇન સાથે સંપર્કમાં આવી જતા ટેન્કરમાં આગ લાગવાની ઘટના બનતા તેના ટાયર સળગી ગયા હતા. જોકે અગ્નિશામક દળોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી હતી. સદભાગ્યે આ ઘટના જાનહાનિથી દુર રહેતા સહુએ રાહત અનુભવી હતી. આ લખાય છે ત્યારે ટેન્કર સળગવાની ઘટનાને ૨૦ કલાક ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં ઘટના બાબતે કોઇ નાનીમોટી પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી. ત્યારે ટેન્કરમાં આગ ખરેખર વીજ લાઇનના ઘર્ષણમાં આવવાથી લાગી છે કે કોઇ પુર્વ યોજીત કાવતરાના ભાગરુપે આગ લાગી હતી? હાલ તો આ બાબતે વિવિધ સવાલો અને ચર્ચાઓ ઉઠવા પામી છે.
ટેન્કરમાં આગ લાગવાની ઘટના કોઇ નાનીસુની ઘટના તો ના જ ગણાય, અને જો વીજ વાયરોના સંપર્કમાં આવવાથી ટેન્કર સળગવાની ઘટના બની હોય તો ઘટનાના કલાકો બાદ પણ કોઇ પોલીસ ફરિયાદ આપવા આગળ કેમ નથી આવતું? અને જો વીજ લાઇન સાથે ઘર્ષણમાં આવવાથી આગની ઘટના ઘટી હોય તો વીજ લાઇનો તેમજ વીજ પોલને કોઇ નુકશાન થયુ છે કે કેમ? હાલતો આ બધા સવાલોથી રહસ્ય સર્જાયેલું દેખાય છે. ત્યારે હવે આ બાબતને તપાસનો વિષય બનાવવા કોઇ આગળ આવે છે કે કેમ તે વાત તરફ તાલુકાની જનતા નજર રાખીને બેઠી છે.