ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે આજરોજ બજાર વિસ્તારમાં એક ટ્રક ચાલકે વીજ પોલોને અડફેટમાં લેતા વીજ પોલ તેમજ ટીસી ઉપકરણોને ભારે નુકશાન થયું હોવાની વિગતો સામે આવી હતી.
આ ઘટનાને લઇને ભાલોદ ગામે સવારના નવ વાગ્યાના સમયથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોએ ભર ઉનાળામાં ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ બેફામ દોડતી રેતીની ટ્રકોથી છાસવારે નાનીમોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. ટ્રક ચાલકે વીજ પોલને અડફેટમાં લઇને નુકશાન કરવાની આ ઘટના બાબતે આ લખાય છે ત્યાં સુધી કોઇ પોલીસ ફરિયાદ લખાઇ હોય એમ જણાયું નથી. ઉનાળાની સખત ગરમીમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં શેકાયા હતા. ભાલોદ પંથકમાં નર્મદાના પટમાંથી રેત ખનન કરતા લીઝ સંચાલકોના રેતી વાહક વાહનો પૈકી મોટાભાગના ઓવરલોડ જથ્થો ભરીને દોડતા હોય છે, આવા નિયમોનો ભંગ કરીને દોડતા વાહનોને અટકાવવામાં તંત્રની ચોખ્ખી બેદરકારી સામે આવતી હોય છે. આવા વાહનચાલકો સાથે તંત્રની સાઠગાંઠ હોવાની વાતો જગજાહેર છે. ત્યારે છાસવારે અકસ્માતો સર્જતા આવા નિયમ ભંગ કરતા વાહનો પ્રત્યે તંત્ર તટસ્થ રીતે નિયમો બતાડવા સક્ષમ બને તેવું જનતા ઇચ્છી રહી છે. આજે ટ્રક ચાલકે અડફેટમાં લેતા વીજ ઉપકરણોને નુકશાન પહોંચતા લોકોએ છતી સુવિધાએ ગરમી વેઠવાનો વારો આવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે જેતે ટ્રક ચાલક વિરુધ્ધ અવશ્ય પોલીસ ફરિયાદ થાય તોજ જનતાને તકલીફમાં મુકતી આવી ઘટનાઓ બનતી અટકશે. આ અકસ્માત દરમિયાન એક અન્ય ટ્રકના આગળના ભાગે અકસ્માત કરનાર ટ્રકનો પાછળનો ભાગ ટકારાતા આ બીજી ટ્રકના આગળના ભાગને પણ નુકશાન થયું હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ