ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે મોટરસાયકલ જોઇને ચલાવવાનું કહેનારને મોટરસાયકલ ચાલક સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હતો.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાણીપુરા ગામે રહેતા હરેશભાઇ કારીયાભાઇ વસાવા ગત તા.૨૦ મીના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં ઘરેથી બહાર જતા હતા, તે સમયે ગામમાં રહેતા પરેશભાઇ જેંતીભાઇ વસાવા તેમની પત્ની સાથે મોટરસાયકલ લઇને આવતા હતા. તે દરમિયાન પરેશભાઇ તેમની મોટરસાયકલ હરેશભાઇની ઉપર આવે એમ ચલાવતા હરેશભાઇએ તેઓને કહેલ કે ભાઇ જરા ગાડી જોઇને ચલાવો. હરેશભાઇએ પરેશને ઠપકો આપતા પરેશે તેમને કહ્યુ હતું કે તને બહુ મસ્તી છે, મારુ કામ પતાવીને આવુ છુ પછી તને બતાવું. પછી હરેશભાઇ તેમના ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ આ લોકો હાથમાં કુહાડી તેમજ લાકડીઓ લઇને હરેશભાઇના ઘરે આવ્યા હતા. પરેશ વસાવા તેની પત્ની અને ભાઇ સાથે આવ્યો હતો, અને ઘરમાં ઘુસીને કહેવા લાગ્યા હતા કે તારા ભાઇની વહુ સરપંચ બની છે એટલે તમે દાદા થઇ ગયા છો. આજે તારી મસ્તી ઉતારવાની છે. એમ કહીને તે લોકોએ કુહાડી અને લાકડીઓથી હરેશ પર હુમલો કર્યો હતો. ઉપરાંત તમને ખોટા કેસમાં ફસાવી દઇશુ એમ કહીને ધમકી આપી હતી. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ હરેશભાઇ કારીયાભાઇ વસાવા રહે.રાણીપુરા તા.ઝઘડીયાનાએ ઝઘડીયા પોલીસ મથકમાં પરેશભાઇ જેંતીભાઇ વસાવા, ભાવેશભાઇ જેંતીભાઇ વસાવા તેમજ ગીતાબેન પરેશભાઇ વસાવા ત્રણેય રહે.ગામ રાણીપુરા તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ