મુળ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાનો દામોદરસિંગ શ્રીમાયારામસિંગ શાલીગ્રામ ભદોરીયા નામનો ઇસમ ઝઘડીયા નજીકની એક કંપનીમાં છેલ્લા ત્રણેક મહિનાથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ ઇસમ હાલ રંડેરી ગામે રહે છે. ગત તા.૧૮ મીના રોજ દામોદરસિંગ સાંજના સાત વાગ્યાના અરસામાં નોકરી પરથી છુટીને ચાલતો ચાલતો રંડેરી ગામે આવેલ તેના રૂમે જતો હતો, તે દરમિયાન રસ્તામાં તેને ત્રણ જેટલા ઇસમો મળ્યા હતા. આ લોકોએ દામોદરસિંગને રોકીને કઇ કંપનીમાં કામ કરે છે એમ પુછ્યું હતું. દામોદરે તેની કંપનીનું નામ જણાવતા આ ત્રણ અજાણ્યા ઇસમો દામોદરસિંગને લાકડીના સપાટા મારવા લાગ્યા હતા. તેમજ ગુજરાતી અને હિન્દી ભાષામાં ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા. આ હુમલામાં દામોદરસિંગ ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આવેલ આ ત્રણ અજાણ્યા ઇસમો મોટરસાયકલ પર બેસીને જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત દામોદરસિંગે તેની કંપનીમાં પરત આવીને પ્રાથમિક સારવાર લીધી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે દામોદરસિંગને અંકલેશ્વર ખાતે ખાનગી દવાખાનામાં લઇ જવાયો હતો. ઘટના બાબતે ઇજાગ્રસ્ત દામોદરસિંગની ફરિયાદને લઇને ઝઘડીયા પોલીસે ત્રણ અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ