ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે વિતેલા સપ્તાહ દરમિયાન વિચિત્ર ઘટના બની હતી, જેમાં બે અલગ અલગ દિવસો દરમિયાન રાજપારડી નગરના પટેલનગર વિસ્તારની બહારના વીજ ટીસી પર બિલાડી ચઢી જતા બન્ને બિલાડીઓના વીજ કરંટથી મોત થયા હતા બિલાડીના કારણે ધડાકા સાથે વીજ ફોલ્ટ સર્જાયો હતો, અને ત્યારબાદ આ વિસ્તારના કેટલાક રહીશોના વીજ ઉપરકરણોને નુકશાન થયુ હતુ. આ ઘટના બાબતે અત્રેના સ્થાનિક રહીશોએ રાજપારડી વીજ કચેરીમાં રજુઆત કરતા ત્યાંના મુખ્ય અધિકારીએ તાકીદે ટેકનિકલ ટીમ બોલાવીને ફોલ્ટનું નિવારણ કરવા જણાવ્યુ હતું. વીજ કર્મચારીઓએ ટીસી ઉપરના ડીઓ ઝંપરો પર બુટીંગ કરીને રબરના મજબુત કવરો ચઢાવવાની કામગીરી હાથ ધરી હતી. વીજ કંપનીમાંથી મળતી વિગતો મુજબ આ કામગીરી બાદ ટીસી પર બિલાડી અથવા અન્ય કોઇ પ્રાણી ચઢશે તો ટીસીના સ્ટડવારા વિભાગના સંપર્કમાં નહિ આવતા આ પ્રાણીઓના જીવ બચશે તેમજ વીજ ગ્રાહકોને વારંવાર ફોલ્ટ થઇને જે નુકશાન વેઠવુ પડે છે તેમાંથી છુટકારો મળી શકશે. વળી આ કામગીરી દરમિયાન જરૂરી અન્ય સમારકામ પણ થઇ જતા અવારનવાર વીજળીનો પ્રવાહ બંધ થવાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે તેમ પણ જાણવા મળ્યુ હતું. જોકે આ કામગીરી દરમિયાન બે કલાક સુધી વીજળી બંધ રહેતા ગ્રામજનો ગરમીમાં શેકાયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
રાજપારડી ગામે વીજ કંપની દ્વારા ટીસી પરના ઝંપરો પર રબરના કવર ચઢાવવામાં આવ્યા.
Advertisement