ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુના ટોઠિદરાના સરપંચે ગામના જ ત્રણ ઇસમો દ્વારા જાતિ વિષયક અપશબ્દો બોલીને ધમકી આપી હોવાની ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જુના ટોઠિદરાના સરપંચ કાંતિભાઇ મંગાભાઇ વસાવાએ રાજપારડી પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી જણાવ્યુ હતુ કે ગ્રામ પંચાયતના ઉપ સરપંચની વરણી કરવા માટે ગત તા. ૨૧ મી ફેબ્રુઆરીના રોજ મળેલ બેઠકમાં સજનબેન પ્રાંકડાને ઉપસરપંચ બનાવવામાં આવ્યા હતા. જે બાબતની રીસ રાખીને ગામનાજ આ ત્રણ ઇસમો કોઇને કોઇ બહાનું શોધીને વારંવાર તકરાર કરતા હતા. ઉપરાંત આ ત્રણ ઇસમો જુના ટોઠિદરા ગામે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા હોવાથી સરપંચ દ્વારા તેમને આ બાબતે અટકાવીને ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. દરમિયાન ખાણ ખનીજ વિભાગે આ બાબતે કાર્યવાહી કરીને તેમના રેત ખનન માટેના ઉપયોગમાં લેવાતા સાધનો જપ્ત કરીને દંડ વસુલ્યો હતો. જે બાબતની અદાવત રાખીને આ ત્રણ ઇસમો ગત તા.૬ ઠ્ઠીના રોજ રાતના દસેક વાગ્યાના અરસામાં સરપંચના ઘરમાં ઘુસી આવ્યા હતા. ત્યારબાદ આ લોકો ગાળો બોલીને જાતિ વિષયક અપશબ્દો બોલવા લાગ્યા હતા. ઉપરાંત આ ઇસમોએ તલવાર ડાંગ તેમજ હોકી જેવા સાધનો સાથે હુમલો કરીને તમારા બિસ્તરા પોટલા બાંધીને ગામ છોડીને ચાલ્યા જાવ એમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ત્રણ ઇસમો માથાભારે હોવાના આક્ષેપ સાથે જુના ટોઠિદરાના સરપંચ કાંતિભાઇ મંગાભાઇ વસાવાએ ગામનાજ આ ત્રણ ઇસમો સામે રાજપારડી પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપીને કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ