ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે ઘરના આંગણામાં બળતણ માટેના લાકડા ગોઠવવાની બાબતે થયેલ ઝઘડામાં ઇજાગ્રસ્ત થયેલ ઇસમે ચાર વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે રહેતો હિતેશભાઇ બચુભાઇ વસાવા એક કંપનીમાં નોકરી કરે છે. ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં હિતેશના પિતા બચુભાઈ રત્નાભાઇ વસાવા ઘરના આંગણામાં બળતણ માટેના લાકડા ગોઠવતા હતા, તે વખતે ગામમાં રહેતા અજીતભાઇ ભીમાભાઇ વસાવા ત્યાં આવીને કહેતા હતા કે આ અમારા ભાગની જગ્યા છે, તેમાં શું કામ લાકડા ગોઠવો છો. તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા. તે સમયે હિતેશે અજીતભાઇને કહ્યુ હતુકે તમે અમને બાપદાદાની જગ્યામાં ભાગ કેમ નથી આપતા? આ સાંભળીને અજીતભાઇ ગાળો બોલીને ઉશ્કેરાઇ જઇને ઝઘડો કરવા લાગ્યા હતા. તે સમયે નિતેશભાઇ અજીતભાઇ વસાવા નામના ઇસમે હિતેશના પિતાને લાકડીના સપાટા મારી દીધા હતા. આ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડનાર હિતેશના મમ્મીને પણ આલોક વસાવા નામના ઇસમે લાકડીનો સપાટો માર્યો હતો. ઉપરાંત આ ત્રણેયનું ઉપરાણું લઇને મુકેશભાઇ હિરાભાઇ વસાવા રહે. રાયસીંગપુરાના હાથમાં ધારિયું લઇને દોડી આવ્યો હતો, અને તમારે જમીનમાં ભાગ જોઇએ છે એમ કહીને હિતેશને માથાના ઉપરના ભાગે ધારિયું મારી દીધું હતું. ઇજાગ્રસ્ત હિતેશને ઉમલ્લા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો. ઘટના બાબતે હિતેશ વસાવા રહે.રાયસીંગપુરાનાએ અજીતભાઇ ભીમાભાઇ વસાવા, નિતેશભાઇ અજીતભાઇ વસાવા, આલોકભાઇ અજીતભાઇ વસાવા તેમજ મુકેશભાઇ વસાવા તમામ રહે.ગામ રાયસીંગપુરા, તા.ઝઘડીયા, જિ.ભરૂચના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ