ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામને બસ સેવાથી હાલ વંચિત રખાયુ હોવાથી ભાલોદ પંથકના ગામોની જનતાને બસસેવાના અભાવે હાલાકિ ભોગવવી પડે છે. થોડા વર્ષો પહેલા ઝઘડીયાથી ભાલોદ વચ્ચે બસો ચાલતી હતી. પરંતુ ત્યારબાદ ભાલોદના રુટ પરની બસસેવા બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાલોદ પંથકના ગામોના ઘણા વિદ્યાર્થીઓ રાજપારડી અભ્યાસ કરવા આવતા હોય છે. બસના અભાવે વિદ્યાર્થીઓએ પણ ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. લાંબા સમયથી બંધ કરાયેલી ભાલોદ પંથકની બસસેવા તાકીદે શરુ કરવામાં આવે તેવી લોક માંગણી પ્રવર્તી રહી છે. જ્યારે ભાલોદના રુટ પર બસો ચાલતી હતી, તે સમયે ભાલોદથી ભરુચ તેમજ અમદાવાદ તરફ જવા માટે પણ બસો દોડાવાતી હતી. લાંબા સમયથી બસસેવા બંધ કરી દેવામાં આવતા જનતા અને વિદ્યાર્થીઓએ ખાનગી વાહનોમાં નાછુટકે મુસાફરી કરવી પડે છે. ત્યારે ભાલોદ પંથકની જનતા અને વિદ્યાર્થીઓના હિતમાં ઝઘડીયા ડેપો સત્તાવાળાઓ તાકીદે આ રુટ પર બસસેવા શરુ કરવા ઘટતા પગલા ભરે એ જરુરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ