ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાને કુદરતે વિપુલ પ્રમાણમાં ખનીજ સંપતિની ભેટ આપેલી છે. તાલુકામાં લાંબા સમયથી ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું છે. તાલુકામાં આજે ઘણા સ્થળોએ બિલાડીના ટોપની જેમ સિલિકાના પ્લાન્ટ્સ ફુટી નીકળ્યા છે. આમાં કેટલા કાયદેસર છે અને કેટલા ગેરકાયદેસર ચાલે છે, એ બાબતે તાલુકામાં લાંબા સમયથી બુમો ઉઠી રહી છે.
જિલ્લાનો ખાણ ખનીજ વિભાગ અને તાલુકાના અધિકારીઓ જ્યારે કેટલાક ખનીજ માફિયાઓ બાબતે કોઇવાર હોબાળો થાય ત્યારે મહદઅંશે ખનીજ ખનનમાં ગેરરીતિઓ પકડવા રેતીની લીઝો પર રેઇડ પાડતા હોવાનું લાંબા સમયથી દેખાય છે. નિયમ બધા માટે સરખો હોવો જોઇએ, તાલુકામાં હાલ ઠેરઠેર ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત મુખ્ય માર્ગો નજીક બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલ આ સિલિકાના પ્લાન્ટ્સમાં કેટલા કાયદેસર છે અને કેટલા કોના બાપની દિવાળીની રીતે ચાલી રહ્યા છે, એ બાબતે તાકીદે યોગ્ય અને ન્યાયિક તપાસ થાય તે જરુરી બન્યું છે. જો તંત્ર તાકીદે આ બાબતે પોતાની ફરજ બજાવવા આગળ નહિ આવેતો સંબંધિત વિભાગ પાસે નજીકના ભવિષ્યમાં આ બાબતે આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ