ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુના ટોઠીદરાના આદિવાસી સરપંચને જાતિ વિષયક અપશબ્દો બોલીને મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે ઝઘડીયા તાલુકા આદિવાસી સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતુ.
મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકા આદિવાસી સમાજના અગ્રણી સંદિપ વસાવાની આગેવાની હેઠળ અપાયેલ આવેદનમાં જણાવાયુ હતુ કે જુના ટોઠીદરાના સરપંચ તરીકે કાંતિભાઇ મંગાભાઇ વસાવા ચુંટણીમાં વિજેતા થયા હતા. સરપંચ પદ માટે આદિવાસી અનામત બેઠક આવવાના કારણે આદિવાસી સરપંચ બનેલ હોવાથી જુના ટોઠીદરાના કેટલાક બિનઆદિવાસીઓને આ વાત પસંદ ન હોવાથી તેઓ આદિવાસી સરપંચ કાંતિભાઇ વસાવાને મારી નાંખવાની ધમકી આપે છે. અને જાતિ વિષયક અપશબ્દો બોલીને તમે કેવી રીતે રાજ કરો છો? તેમ કહીને સરપંચ પદેથી રાજીનામું આપવા માટે દબાણ લાવે છે. પરંતુ આદિવાસી સરપંચ તેમની વાતમાં ન આવતા ગામની ત્રણ વ્યક્તિઓ ચુંટણીની અદાવત રાખીને આદિવાસી સરપંચના માન સન્માનને ઠેસ પહોંચે એ રીતે ખોટી રીતે હેરાન પરેશાન કરે છે. તેઓના કથિત ત્રાસને લઇને સરપંચને કંઇપણ થશે તેની જવાબદારી આ વ્યક્તિઓની રહેશે, એવા આક્ષેપ સાથે આ લોકો પર તાત્કાલિક એટ્રોસિટી એક્ટ હેઠળ પગલા ભરવા માંગ કરી હતી. આ બાબતે આદિવાસી સરપંચને જલ્દીથી ન્યાય મળે એવી પણ આવેદનમાં રજુઆત કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ