ભરુચ જિલ્લાના ઝઘડીયા પંથકના એક ગામે ઘરમાં સાથે રહેતા બહારના ઇસમને ઘરમાલિકની પત્નિ સાથે આંખ મળી જતા આ કથિત પ્રેમ પ્રકરણમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ આજથી આઠેક વર્ષ પહેલા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનો અશોકભાઈ પારસીંગભાઇ વસાવા ઝઘડીયા તાલુકાના એક ગામમાં નોકરી કરવા આવ્યો હતો. ત્યારબાદ તે તેના મિત્રના ઘરે આવતા તેના મિત્રએ તેના પિતાને કહેલ કે આ મારો મિત્ર છે, અને આપણા ઘરે રહેવાનો છે. ત્યારબાદ આ ઇસમ તેમને ત્યાં રહીને નોકરીના સ્થળે આવજાવ કરતો હતો. તે સમય દરમિયાન તેને ઘરમાલિકની પત્નિ સાથે આંખ મળી જતા તેની સાથે આડા સંબંધ બંધાઇ ગયા હતા. પોતાના પુત્રના મિત્રને ઘરે આશરો આપ્યા બાદ તે ઇસમને પોતાની પત્નિ સાથે આડો સંબંધ બંધાતા ઘરમાલિકે અશોકને ઠપકો આપતા તેણે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેથી ઘરમાલિકે અશોકને ઘરમાંથી કાઢી મુક્યો હતો. આ ઝઘડામાં ઘરમાલિકના પુત્રો અને પત્નિએ અશોકને સાથ આપી તેનું ઉપરાણુ લીધુ હતું. દરમિયાન ગત તા.૭ મી ડિસેમ્બરના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં અશોક તેમના ઘરે આવ્યો હતો, તે સમયે ઘરમાલિક ઘરની સામે આવેલ ખેતરમાં હાજર હતા. તેમની પાસે આવીને આ ઇસમે ગાળો દઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અશોકને ઘરમાંથી કાઢી મુકવાની રીશ રાખીને ઘરમાલિકના બન્ને પુત્રો અને પત્નિ અવારનવાર ઝઘડો કરીને માર મારતા હતા. તેથી ઘરમાલિક નજીકના ગામે રહેતી તેમની બહેનના ઘરે રહેતા હતા. ત્યારબાદ ગત તા.૫ મીના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં ઘરમાલિક તેમના ગામમાં આવેલ ઘરે ગયા હતા ત્યારે તેમની પત્નિ અને બન્ને પુત્રો ગાળો બોલવા લાગ્યા હતા અને આજે તને જીવતો જવા દેવાનો નથી, એમ કહીને હાથમાં લાકડીઓ લઇને મારવા દોડ્યા હતા. આ બાબતને લઇને પોતાની પત્નિના અન્ય ઇસમ સાથેના કથિત આડા સંબંધને લઇને વાજ આવીને આ ઇસમે તેમની પત્નિ, બન્ને પુત્રો તેમજ અશોકભાઈ પારસીંગભાઇ વસાવા નામના ઇસમ સામે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ