ઝઘડીયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ રેત ખનન થઇ રહ્યું છે.અવારનવાર નર્મદાના પટમાં થતાં રેતખનન બાબતે વિવાદ થતો દેખાય છે.ઝઘડીયા તાલુકામાં વિપુલ પ્રમાણમાં ખનીજ સંપતિ આવેલી છે.તાલુકાના રાજપારડી નજીક ભાલોદ પંથકમાં નર્મદાના પટમાં રેતીની લીઝોવાળા દ્વારા મોટા પાયે રેત ખનન થાય છે.નર્મદાના પટમાં આવેલ રેતીની લીઝો પૈકી કેટલી લીઝો કાયદેસર છે અને કેટલી નિયમાનુસાર કામ કરે છે, તે બાબતે તાલુકાની જનતામાં વિવિધ સવાલો અવારનવાર ઉઠતા દેખાય છે.રાજપારડી પંથકમાં રેતી ઉપરાંત નેત્રંગ રોડ પર અસંખ્ય પત્થરની લીઝો અને ક્વોરીયો કાર્યરત છે.ખનીજ ખનન અને વહનમાં ઘણા બધા નિયમો જાળવવાના હોય છે.પરંતુ આવા ખનીજ માફિયાઓ પોતાના અંગત લાભ માટે સરકારી નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા હોવાની વ્યાપક ચર્ચાઓ જનતામાં ઉઠવા પામી છે.દરમિયાન ગઇકાલે ખાણ ખનીજ વિભાગ, પ્રાંત કચેરી ઝઘડીયા અને પોલીસના સંયુકત ઓપરેશન દરમિયાન પાંચ જેટલી રેતી વાહક ટ્રકો ઝડપાવા પામી હતી.આ ટ્રકો રોયલ્ટી વિના જતી હોવાની પ્રબળ આશંકા જણાય છે.તંત્ર દ્વારા આ ટ્રકો ઝડપીને રાજપારડી પોલીસને સોંપવામાં આવી હતી.ઉપરાંત નર્મદામાં રેત ખનનમાં ઉપયોગમાં લેવાતા ૬ જેટલા મશીનો પણ સીઝ કરાયા હતા.આ ચેકિંગ દરમિયાન રેત માફિયાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.ઉલ્લેખનીય છે કે રેતી ઉપરાંત પત્થર આધારીત ખનીજનું પણ તાલુકામાં મોટા પાયે ખનન થઇ રહ્યુ છે.રાજપારડીથી નેત્રંગના રોડ પર અસંખ્ય પત્થરની લીઝો અને ક્વોરિયો કાર્યરત છે.ત્યારે અહિં પણ નિયમો જળવાય છે કે કેમ તે બાબતે પણ સઘન તપાસ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના છે.લોક ચર્ચા મુજબ જાણવા મળ્યા મુજબ ઘણા લીઝ ધારકો અન્યને લીઝ ભાડે આપી દેતા હોય છે.ત્યારે આ બાબતે પણ નિયમો જળવાય છે કે કેમ તેની સઘન તપાસ થાય તો ગેર રીતિઓ બહાર આવવાની આશંકા જણાય છે.તાલુકામાં ખનીજ ખનનમાં રોયલ્ટી પુરેપુરી વસુલ થવી જ જોઇએ.રોયલ્ટી ચોરી કરીને સરકારી આવકને ચુનો લગાડતા ખનીજ માફિયાઓ પર કડક કાર્યવાહી થવી જોઇએ એવી લાગણી જનતામાં જોવા મળી રહી છે.ત્યારે તંત્ર અવારનવાર સક્રિય બનીને રોયલ્ટી ચોરી અટકાવે તો ધાર્યુ પરિણામ મળી શકે તેમ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયા : ટોઠિદરા પંથકમાં ખાણ ખનીજનાં ચેકિંગ દરમિયાન રોયલ્ટી વિનાની પાંચ ટ્રકો ઝડપાઇ.
Advertisement