ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના મિનેશભાઇ સુરેશભાઈ શાહે તેમના ખેતરમાં બે વર્ષ પહેલા આંબાની કલમો રોપી હતી. આજે સવારે ગામમાં રહેતા લાલાભાઈ નામના ઇસમે તેમને ફોન કરીને જણાવ્યું હતુ કે તમારા ખેતરમાં ઉછેરેલ આંબાની કલમો કોઇએ કાપી નાંખી છે. મિનેશભાઇ તથા તેમના પુત્રએ ખેતરે જઇને જોતા તેમણે બે વર્ષ પૂર્વે રોપેલ આંબાની કુલ ૭૨ જેટલી કલમો કોઇએ કાપી નાંખી હતી.દરમિયાન મિનેષભાઇના સામા ખેતરે કામ કરતાં નગીન વસાવાએ જણાવેલ કે ગઈકાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં તે ખેતરે હતો ત્યારે એક સફેદ ઇકો કાર તેમના ખેતરે આવેલ, અને બે જણા ઉતરીને ખેતરમાં ગયેલા. એ બાબતે નગીનને શંકા જતા તેણે ખેતરમાં ટોર્ચ મારતા તે ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા, એમ જણાવતા ઈકોમાં આવેલા ઇસમોએ જ ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને આંબાની કલમો કાપી નાંખી હોવાની ખાતરી થવા પામી હતી. આ ખેડૂતે રોપેલ ૭૨ જેટલી આંબાની કલમ કાપી નંખાતા અંદાજે ૩૦ હજાર રૂપિયા જેટલું નુકસાન થયું હતું. આ બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડિયાના રાણીપુરા ગામમાં અજાણ્યા ઈસમોએ આંબાની કલમો કાપી નાંખતા ખેડૂતને આર્થિક નુકસાન.
Advertisement