ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઝાઝપોર નજીક રાતના પાંચેક જેટલા અજાણ્યા ઇસમોએ એક કાર પર પત્થરમારો કરતા કારમાં જઇ રહેલ ત્રણ ઇસમોને ઇજા થવા ઉપરાંત કારને નુકશાન થયું હતું. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામના ચંદ્રકાન્તભાઇ ફતેસીંગભાઇ વસાવા પત્થરની ક્વોરી ચલાવે છે. ગત તા.૨૩ મીના રોજ તેમની ક્વોરીમાં કામ કરતા દરિયા ગામના નરેશભાઇની દિકરીના લગ્ન હોઇ તેઓ અન્ય ચાર ઇસમો સાથે દરિયા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પ્રસંગ પતાવીને તેઓ પાછા ફરતા હતા ત્યારે રાતના પોણા દસેક વાગ્યાના અરસામાં ઝાઝપોર રેલવે ક્રોસીંગ પાસે સંતાઇ રહેલા પાંચેક અજાણ્યા ઇસમોએ તેમની ફોર વ્હિલ ગાડી પર અચાનક પત્થરમારો કર્યો હતો. આ પત્થરમારામાં ચંદ્રકાન્તભાઇ ઉપરાંત તેમના ડ્રાઇવર મહેન્દ્રભાઇને તેમજ ગાડીમાં પાછળ બેસેલ પ્રહલાદભાઇને ઇજાઓ થઇ હતી. આ પત્થરમારામાં તેમની ફોર વ્હિલ ગાડીને પણ રુ.૧૫૦૦૦ જેટલું નુકશાન થયું હતું. પત્થરમારો કરનાર આ પાંચેક જેટલા ઇસમો અંધારાનો લાભ લઇને નાશી છુટ્યા હતા. આ પત્થરમારો રાજ્કીય અદાવતને લઇને કરાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતુ. ચંદ્રકાન્તભાઇ વસાવા રહે.ગામ બલેશ્વર, તા.ઝઘડીયાની ફરિયાદ મુજબ ઝઘડીયા પોલીસે કાર પર પત્થરમારો કરનાર પાંચ જેટલા અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ