ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કડવાતલાવ તલોદરા ગામે ઘરની આગળ ગાડુ અને મોટરસાયકલ મુકવાની બાબતના ઝઘડામાં સામસામે થયેલ ફરિયાદોમાં કુલ પાંચ ઇસમો સામે ગુનો નોંધાયો હતો.
આ અંગે રજનીકાંત ગંભીરભાઇ પટેલ રહે.કડવાતલાવ તલોદરા નાએ ઝઘડીયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં ફળિયામાં રોડ ઉપર સુરેશભાઈ રામુભાઇ પટેલે તેમનું ગાડુ અને મોટરસાયકલ મુકેલ હતા. તેને લઇને વાહન લઇજવા લાવવામાં મુશ્કેલી પડતી હતી. તેથી રજનીકાંતના મમ્મી સુમનબેન આ અંગે સુરેશભાઈને કહેવા ગયા હતા. ત્યારે સુરેશભાઇ ગાળો બોલવા લાગ્યા હતા. તેમને ગાળો બોલવાની ના પાડતા સુરેશનો નાનોભાઇ રણજીત હાથમાં ધારીયુ લઇને તેમજ સુરેશના પપ્પા રામુભાઇ હાથમાં કુહાડી લઇને અને સુરેશ હાથમાં પરાઇ લઇને દોડી આવ્યા હતા. અને કહેવા લાગ્યા હતા કે ગાડુ અને મોટરસાયકલ અમે નહી ખસેડીએ, તમારાથી થાય તે કરી લો. ત્યારબાદ સુરેશે રજનીકાંતને લોખંડની પરાઇ માથાના ભાગે મારી દેતા ચામડી ફાટી જઇને લોહી નીકળ્યુ હતું. આ દરમિયાન રામુભાઇ તથા રણજીતે આ લોકોને છુટા પત્થર માર્યા હતા. ઇજાગ્રસ્ત રજનીકાંતને વાલિયા ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. રજનીકાંત પટેલની ફરિયાદ મુજબ ઝઘડીયા પોલીસે સુરેશભાઈ રામુભાઇ પટેલ, રામુભાઇ ગુમાનભાઇ પટેલ તેમજ રણજીતભાઇ રામુભાઇ પટેલ ત્રણેય રહે.કડવાતલાવ તલોદરા તા.ઝઘડીયાના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજી ફરિયાદમાં સુરેશભાઇ રામુભાઇ પટેલ રહે.કડવાતલાવ તલોદરા નાએ લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના સાડાસાતના અરસામાં તેમની મોટરસાયકલ તેમના ઘરની આગળ પાર્ક કરીને મુકેલ હતી. તે વખતે ફળિયાના રજનીશભાઇ ગંભીરભાઇ પટેલ તેમજ તેનો ભાઇ દિલિપભાઇ ગંભીરભાઇ પટેલ સુરેશના ઘરના આંગણામાં આવ્યા હતા, અને જણાવેલ કે તારી મોટરસાયકલ રસ્તામાં કેમ પાર્ક કરી છે? ત્યારે સુરેશે કહ્યુ હતુ કે મેં મારી મોટરસાયકલ મારી જગ્યામાં પાર્ક કરેલ છે. ત્યારે આ લોકો ઉશ્કેરાઇ જઇને ગાળો બોલવા લાગ્યા હતા. અને દિલિપે સુરેશને માથાના ભાગે લાકડાનો સપાટો માર્યો હતો. આ ઝઘડામાં સુરેશના પિતા રામુભાઇને લાકડાના પાવડાનો હાથો ડાબા હાથ પર વાગ્યો હતો. આ ઝઘડામાં સુરેશ અને તેના પિતાને ઇજા થતા ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. મારામારીની આ ઘટના બાબતે ઝઘડીયા પોલીસમાં રજનીશભાઇ ગંભીરભાઇ પટેલ તેમજ દિલિપભાઇ ગંભીરભાઇ પટેલ બન્ને રહે.કડવાતલાવ તલોદરા તા.ઝઘડીયાના વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ