ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક મુખ્ય ધોરીમાર્ગ પર આવેલ બોરોસિલ રીન્યુએબરલ લિમિટેડ નામની કંપની વિવિધ પ્રકારના કાચનું ઉત્પાદન કરે છે. તા.૨૮.૭.૨૦ના રોજ કંપનીએ કર્ણાટકના બેંગ્લોરની ટાટા પાવર સોલર સિસ્ટમ નામની કંપનીને ટેમ્પર્ડ ગ્લાસ મોકલવાના હોઇ, અંકલેશ્વરની એમ.ડી મૂવર્સ નામના ટ્રાન્સપોર્ટ પાસે ટ્રક મંગાવી હતી. બોરોસિલ કંપની માંથી ટેમ્પર્ડ ગ્લાસના ૧૪ પેલેટસ બોકસમાં કુલ ૧૫૪૦ ટેમ્પર્ડ ગ્લાસ ભર્યા હતા જેની કિંમત રૂ. ૯,૫૭,૫૭૨ જેટલી હતી. એમ.ડી મુવર્સ ટ્રાન્સપોર્ટની ટ્રક જ્યારે બેંગ્લોર ખાતે આવેલ ટાટા પાવર સોલાર સિસ્ટમ લિમિટેડમાં ડિલિવરી માટે ગઈ હતી, ત્યારે ટ્રકમાં ગ્લાસના બોક્સ પર અન્ય કોઈ ઓઇલ ભરેલા ડ્રમ મૂકવામાં આવેલા હતા. ઓઇલ ભરેલા ડ્રમ ટેમ્પર્ડ ગ્લાસ બોક્સ પર મૂકવાના કારણે ગ્લાસને નુકસાન થયું હતું. બોરોસિલ કંપની દ્વારા મોકલાવેલ ૧૪ પેલેટસ પૈકી ૭ પેલેટસને નુકસાન થયું હતું તેમ ટાટા પાવર સોલાર કંપનીએ મેલ દ્વારા બોરોસિલ કંપનીને જણાવ્યું હતું અને સાથે ફોટોગ્રાફ પણ મોકલ્યા હતા. બોરોસિલ કંપની દ્વારા ટ્રાન્સપોર્ટના માલિક એ.કે શર્મા સાથે આ બાબતે વાત કરતા તેણે પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે તેઓના ટ્રક ડ્રાઇવર દોષનો ટોપલો નાંખવાની કોશિશ કરીને જવાબદારીમાંથી છટકી જવાની વાત કરી હતી. જેથી કંપની અને ટ્રાન્સપોર્ટર વચ્ચેના વિશ્વાસનો ભંગ કરી એમ.ડી મુવર્સ ટ્રાન્સપોર્ટ દ્વારા વિશ્વાસનો ગુનાહિત ભંગ કરવાનો ગુનો કરવા બદલ તેમજ કંપનીને થયેલ આર્થિક નુકસાન ભરવાની જવાબદારી ટ્રાન્સપોર્ટની હોઇ, તે બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં બોરોસિલ કંપની દ્વારા એમ.ડી મુવર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.