બે કરોડના ખર્ચે બનાવેલ કોમ્યુનિટી હોલનુ લોકાર્પણ કરવામાં આવ્યું.
આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમાજ સેવકોનુ સન્માન કરવામાં આવ્યું.
નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે જાહેર કરાયો છે. ત્યારે ઉમરગામ થી લઇ અંબાજી સુધીના પટ્ટા પર વિશ્વ આદિવાસી દિન’ની અલગ અલગ રાજકીય પાર્ટીઓ, આદિવાસી સંગઠનો તથા આદિવાસી જનતા દ્વારા ૯ મી ઓગસ્ટની વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવણી કરવામાં અાવે છે. આજરોજ ઝઘડિયા ખાતે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કોમ્યુનિટી હોલ ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીના હસ્તે બે કરોડ જેટલી રકમના ખર્ચે બનેલ ઝઘડિયા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દાયકાઓથી આદિવાસી વિસ્તારની સુરત બદલાઇ રહી છે. ભૂતકાળની સરખામણીએ ઘણો વિકાસ આદિવાસી ક્ષેત્રોએ મેળવ્યો છે. દેશને આઝાદી અપાવવામાં પણ આદિવાસી સમાજનું મોટું યોગદાન છે. આ પ્રસંગે માનગઢ માં શહીદ થયેલા હજારો આદિવાસી યોદ્ધાઓને યાદ કરવામાં આવ્યા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના ૧ અને ૨ માં ૧ લાખ કરોડથી વધુ રૂપિયા વિકાસ માટે ફળવાયા છે. આદિવાસી સમાજને તેમની સત્તા મળે તે માટે પેસા એક્ટના માધ્યમથી અનેક લોકોને જમીનોના સનદ અપાયા છે. અને તેમને પગભર કરાયા છે. ૯૧ હજાર થી વધુ લાભાર્થીઓને દોઢ લાખ એકર જેટલી જંગલની જમીનના આદેશ આપવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં સિંચાઈ યોજનાના માધ્યમથી આદિવાસી લોકોને ખેડૂત બનાવી પગભર કરાયા છે. પાણી પુરવઠા યોજના હેઠળ નલ સે જલ ના માધ્યમથી આદિવાસી વિસ્તારોમાં પીવાનુ પાણી પહોંચાડયું છે. ચાલુ સાલે આદિવાસી વિસ્તારોમાં વિકાસ કામો માટે રુ. ૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા આદિવાસી યુવાનોને તબીબી અભ્યાસનો લાભ મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ આદિવાસી સમાજ શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે આદિવાસી વિસ્તારોમાં વીજળી પહોંચી નથી તેવા વિસ્તારોમાં ૧૦૦ વધુ નવા સબ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે. દૂધ સંજીવની યોજના હેઠળ નાના બાળકો કુપોષણનો શિકાર ન બને તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. અટલ બિહારી વાજપેયીની સરકારમાં આદિવાસી મંત્રાલયની શરૂઆત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સવા છ કરોડ આદિવાસીઓ પગભર બને અને શિરમોર પ્રગતિ હાંસલ કરે તેવી કટિબદ્ધતા સરકારે દાખવી છે. આદિવાસી સમાજને આગળ લાવવો એ સરકારની તેમજ આપણા સહુની ફરજ છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ૪૩ જેટલા આદિવાસી તેજસ્વી તારલાઓ તથા સમાજ સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી