ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે લોકડાઉન દરમિયાન બહારથી આવેલી કેટલીક વ્યક્તિઓની જાણ થતાં ગામના પાંચ જેટલા પરિવારો હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. તા.૧૮ નારોજ ગામના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સમગ્ર ગામને સીલ કરવામાં આવ્યુ હતું. આજે ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા સમગ્ર ગામમાં મેડીકલ સર્વે હાથ ધરવામાં આવ્યુ હતું. આરોગ્ય સુત્રોના જણાવ્યા અનુસાર વણાકપોરના જે ફળીયામાં કોરોના પોઝિટિવ કેસ જણાયો છે તે ફળિયામાં ૧૩ જેટલા ઘરોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય કર્મીઓ દ્વારા હાથ ધરાયેલા મેડીકલ સર્વે દરમિયાન ગ્રામજનોને ગામમાં રહેવાની તાકીદ કરવામાં આવી હતી. અને કોરોનાને લગતી સમજ આપવામાં આવી હતી. ગઇકાલે ગામના એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોઇ. સમગ્ર ગામને સીલ કરી દેવાયુછે. ગામમાં આવવા જવાના રસ્તા સીલ કરી દેવાયા છે. ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી