ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે વડોદરા સહિત બહારથી આવેલ કેટલીક વ્યક્તિઓને લઇને ગામના કુલ પાંચ પરિવારોના ૨૮ જેટલા લોકોને ઘરોમાં ક્વોરેન્ટાઇન કરાયા હતા. દરમિયાન તા.૧૦ નારોજ ક્વોરેન્ટાઇન કરાયેલ વ્યક્તિઓ પૈકી પાંચને અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા.બાદમાં તા.૧૬ એપ્રિલના રોજ આ ઇસમોને ભરુચ સીવીલ હોસ્પિટલ ખાતે કોરોના પરિક્ષણ માટે લઇ જવાયા હતા. આજરોજ તા.૧૮ મીના રોજ કોરોના પરિક્ષણ માટે લઇ જવાયેલા ઇસમો પૈકી વણાકપોર ગામના મુબિન ઐયુબભાઇ સોલંકી ઉ.વર્ષ ૨૪ રહે.નાનુ ફળીયું વણાકપોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ચોંકી ઉઠ્યો હતો. અને ભરૂચ જિલ્લામાં ઉપરાછાપરી વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના કારણે તંત્ર એકશનમાં આવી ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે વણાકપોર ગામના આ યુવકના ઘેર વડોદરાથી તેના બનેવી આવ્યા હતા. જેથી આ યુવકનું ઘર પણ ક્વોરેન્ટાઇન કરાયુ હતું. આ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ અને આરોગ્ય ટુકડીએ તાબડતોડ ગામની મુલાકાત લઇને આ યુવક જ્યાં રહે છે. તે ફળિયું લોક કરી દીધું હતું. અને ગ્રામજનોને ગામ બહાર ન જવાની સુચના આપી હતી. ભરુચ જિલ્લામાં આ કેસ સાથે પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૨૨ થઇ છે. આરોગ્ય સુત્રોના જણાવ્યા મુજબ આ પાંચ યુવકોને અવિધા સરકારી દવાખાને ઓબ્ઝર્વેશનમાં રખાયા હોવાથી આરોગ્ય ટીમ દ્વારા અવિધા વણાકપોર અને અન્ય ગામોએ મેડીકલ સર્વે હાથ ધરાયુ હતુ. ઉલ્લેખનીય છેકે ભરુચની સીવીલ હોસ્પિટલમાં કેટલાક આરોગ્ય કર્મીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાછે. વધુમાં જાણવા મળ્યા મુજબ સીવીલ હોસ્પિટલને સીલ કરવામાં આવનાર છે. હોસ્પિટલમાં લોકોની અવરજવર પર રોક મુકી દેવાયોછે. જાણવા મળ્યા મુજબ અન્ય આરોગ્ય કર્મીઓને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. વણાકપોરના આ કોરોના પોઝિટિવ દર્દીને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાશે. આ યુવકના પરિવારના અન્ય સભ્યોના પણ રિપોર્ટ કઢાવવામાં આવશે એમ જાણવામાં આવ્યુ છે.
વણાકપોર ગામે હોમ ક્વોરેન્ટાઇન કરાયેલા પાંચ પરિવારો પૈકી એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
Advertisement