આનંદ મંદિર સ્કુલમાં 70થી વધુ વિદ્યાર્થીઓ ભગવાન શ્રી કૃષ્ણની વેશભૂષામા અને 30થી વધુ વિદ્યાર્થીનીઓ રાધાની વેશભૂષામાં આવ્યાં
વિરમગામ શહેરની જાણીતી શૈક્ષણીક સંસ્થા આનંદ મંદિર સ્કુલ તથા આઇપીએસ સ્કુલ ખાતે જન્માષ્ટમી પુર્વે કૃષ્ણ જન્મોત્સવની ધામધુમ પુર્વક હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આનંદ મંદિર સ્કુલના 70થી વધુ વિદ્યાર્થીઓ ભગવાન શ્રી કૃષ્ણની વેશભૂષામા અને 30થી વધુ વિદ્યાર્થીનીઓ રાધાની વેશભૂષામા આવ્યાં હતાં. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રાસ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. આનંદ મંદિર સ્કુલ ખાતે મટકી થોડી ઉંચાઇ પર બાંધવામાં આવેલ હોવાથી પીરામીડ બનાવીને મટકી ફોડવામાં આવી હતી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના જયઘોષ સાથે મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમી પર્વ નિમિત્તે શાળામાં આયોજિત મટકી ફોડ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમને માણવામાં આવ્યો હતો.
આનંદ મંદિર સ્કુલના ગોકુલ પટેલે જણાવ્યુ હતું કે, વિરમગામના આનંદ મંદિર સ્કુલ ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણની વેશભૂષામા મટકી ફોડી હતી. જ્યારે વિદ્યાર્થીનીઓએ પીરામીડ બનાવીને રાધાની વેશભૂષામા મટકી ફોડી હતી. દિકરીઓ પણ કોઇનાથી સહેજ કમ નથી અને તેમને પીરામીડ બનાવી મટકી ફોડીને પોતે શક્તિશાળી હોવાનું સિધ્ધ કર્યુ હતુ.