કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
સોશિયલ મિડીયા માનવ જીવનનું અભિન્ન અંગ બની ગયુ છે ત્યારે અનેક લોકો સવારમાં ઉઠીને તરત જ મોબાઇલ ફોનમાં આવેલા મિત્રોના સંદેશ વાંચવાનું પસંદ કરી રહ્યા છે. અનેક લોકો સીમિત પરીવારના બદલે વિશ્વભરના લોકોને મિત્ર બનાવવાનું ઇચ્છી રહ્યા છે અને તેના માટે સોશિયલ મિડીયાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવો જ એક યુવક એટલે અનિલ. જે સોશિયલ મિડીયા દ્વારા અજાણ્યા લોકોનો સતત સંપર્ક કર્યા કરે છે અને નવા મિત્રો બનાવવા માટે સંવાદ કરવાની શરૂઆત કરે છે. અનિલ ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ, બ્લોગ, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મિડીયાના માધ્યમોનો ઉપયોગ કરી રહ્યો છે. અનિલ પોતાના દૈનિક કામકાજ પુર્ણ કરીને સમય કાઢીને સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહે છે અને સોસિયલ મિડીયા દ્વારા અનિલ ડોલી નામની મહિલાના સંપર્કમાં આવે છે. અનિલ જ્યારે ડોલી સાથે શરૂઆતમાં વાતચીત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ડોલી દ્વારા કોઇ જવાબ આપવામાં આવતો નથી. પરંતુ અનિલ સંવાદ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને થોડા દિવસો પછી ડોલી અનિલને પ્રથમ વખત સોશિયલ મિડીયાના માધ્યમથી જવાબ આપે છે. ડોલીનો સ્વભાવ જ એવો છે કે તો કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરવાનું પસંદ કરતી નથી અને ડોલી પોતાના રોજીંદા કામકાજમાં વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે. ડોલી સોશિયલ મિડીયા કરતા પરીવારને વધુ સમય આપવાનું પસંદ કરે છે પરંતુ ડોલી સમય મળ્યે અનિલ સાથે વાતચીત કરવાનું પણ નથી ચુકતી. જ્યારે પણ ડોલીને સમય મળે ત્યારે તે અનિલ સાથે વાતચીત કરી લે છે. શરૂઆતના તબક્કે અનિલ અને ડોલી વચ્ચે દિવસમાં માત્ર એક વખત વાતચીત થાય છે અને તે પણ એકદમ ટુકી વાત થાય છે. પરંતુ થોડા દિવસોમાં જ અનિલ અને ડોલી સોશિયલ મિડીયા દ્વારા સતત સંપર્કમાં રહેવા લાગે છે અને અનિલને ડોલીનો પ્રેમાળ સ્વભાવ ખુબ ગમે છે તો ડોલીને પણ હવે અનિલ સાથે વાતચીત કરવાની ટેવ પડી રહી છે. ડોલી પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને અનિલ સાથે વાત કરી લે છે. સતત સંવાદ પછી અનિલને ડોલી પસંદ આવે છે અને તે ડોલીને એક તરફી પ્રેમ કરવા લાગે છે પરંતુ અનિલને ડર છે કે જો તે ડોલી સામે પ્રેમનો એકરાર કરશે તો કદાચ તેને ગમશે નહી એટલે તે પ્રેમનો એકરાર કરવાનું ટાળે છે. તો બીજી તરફ ડોલીને મિત્ર તરીકે અનિલ પસંદ છે પરંતુ પ્રેમનો તે વિચાર કરતી નથી. અનિલ આખો દિવસ ડોલીના વિચારોમાં જ ખોવાયેલ રહે છે અને ડોલી સાથે આખો દિવસ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. એક દિવસ અચાનક જ અનિલ ડોલીને કહે છે કે હવે આપણે અજાણ્યા રહ્યા નથી એટલે હવે હું આપને તમે ના બદલે તું કહી શકુ? ત્યારે ડોલીએ થોડો વિચાર કરીને જણાવ્યુ કે, તમે કે તું જે કહેવું હોય તે કહી શકે છે અને અનિલ હવે ડોલીને તમે ના બદલે તું કહેવાની શરૂઆત કરે છે. આવી રીતે અનિલ ડોલીને પોતાના તરફ આકર્ષિત કરવાની શરૂઆત કરે છે અને ડોલી પણ અનિલ પર વિશ્વાસ કરવા લાગે છે ત્યારે અનિલ આ તકનો લાભ ઝડપી લે છે અને ડોલીને કહે છે કે તારો સ્વભાવ મને ખુબ ગમે છે અને તું પણ ગમે છે. ડોલી માટે જવાબ આપવો થોડો મુશ્કેલ બની જાય છે અને તે થોડા સમય માટે મુંઝવણમાં મુકાઇ જાય છે કે શુ કરવું અને શુ પ્રતિઉત્તર આપવો. ડોલી અનિલને કહે છે કે આપણે એક સારા મિત્રો છીએ જ અને મિત્ર રહેવાના જ છીએ, પરંતુ પ્રેમ કરવો મારા માટે મુશ્કેલ છે કેમકે પ્રેમમાં સતત અપેક્ષાઓ રહે છે તે હું કદાચ પુરી નહી કરી શકૂ. ત્યારે અનિલ કહે છે કે આપણા પ્રેમમાં કોઇ અપેક્ષા નથી, આપણો પ્રેમ પવિત્ર છે અને પવિત્ર જ રહેશે. આખરે ડોલી અનિલના પ્રેમનો સ્વીકાર કરે છે. હવે ડોલીને પણ અનિલ સાથે વાતચીત કરવી ગમી રહી છે અને તે અનિલની સાથે તે પ્રેમાળ વ્યવહાર કરવા લાગી છે. અનિલ ની જેમ જ ડોલી પણ પ્રેમના વિચારોમાં ખોવાયેલી રહેવા લાગે છે. સોશિયલ મિડીયા પર સતત સંવાદથી અનિલ અને ડોલી પવિત્ર પ્રેમનો અનેરો આનંદ માણી રહ્યા છે. પ્રેમમાં પડ્યા છતાં પણ અનિલ અને ડોલી એકપણ વખત રૂબરૂ મળ્યા નથી. અનિલ ડોલીને મળવા માટે કહે છે અને બન્ને અનુકુળ સમયે મળવાનું નક્કી કરે છે. મળવાનું નક્કી થયા પછી અનિલ અમદાવાદ આવે છે ત્યારે ડોલી પણ હરખભેર મળવા માટે આવી જાય છે. ડોલી અનિલને જોઇને ખુબ જ ખુશ થઇ જાય છે અને પ્રેમથી ભેટી પડે છે. ડોલી એટલુ જ કહે છે કે અનિલ તું અજાણ્યા વ્યક્તિમાંથી ક્યારે મારો અનિલ બની ગયો તે ખબર ન પડી. અનિલ આજે તારા કારણે જ મારા જીવનમાં અનેક ખુશીઓ આવી છે અને હું તારા પ્રેમા સહારે જીવન જીવવાનો અનેરો આનંદ પણ માણી રહી છું. અનિલે કહ્યુ કે, હવે મારા વખાણ કરવાનું બંધ કર. ખરેખર તારા કારણે મારા જીવનમાં પણ અગણીત ખુશીઓ છવાઇ ગઇ છે અને આપણો પવિત્ર પ્રેમ કાયમ માટે અકબંધ રહેશે. અનિલ અને ડોલી કલાકો સુધી સાથે બેસીને પ્રેમની વાતચીત તથા પરીવારની વાતચીત કર્યા કરે છે. સાંજનો સમય થવા આવતા અનિલ કહે છે કે ડોલી સાંજ પડવા આવી છે એટલે તારે સમયસર ઘરે પહોચી જવુ જોઇએ ત્યારે ડોલી કહે છે કે આજે તને પહેલી વખત જોયો છે તો મન ભરીને નિહાળવા દે અને સમય ને કહી દે કે થોડો સમય રોકાઇ જાય. આ સાંભળીને અનિલ ખડખડાટ હસવા લાગે છે અને કહે છે ડોલી સમય ક્યારેય કોઇનાથી રોકાતો નથી ખુશી હોય કે ગમ સમય તેનુ કામ કર્યા કરે છે. આપણે ફરીથી મળીશુ અને સાથે બેસીને સંવાદ કરીશુ. અનિલ અને ડોલીની મુલાકાત પુર્ણ થાય છે અને બન્ને છુટા પડે છે. પ્રથમ મુલાકાતની યાદો લઇને બન્ને પોતાના ઘરે જાય છે અને રાત્રે પ્રેમના વિચારોમાં ઉંઘી પણ શકતા નથી. બીજા દિવસે વહેલી સવારમાં જ બન્ને ઉઠી જાય છે અને સોશિયલ મિડીયા દ્વારા વાત કરે છે. બન્ને પ્રેમીઓ એકબીજાને પ્રેમ કરવાની સાથે પોતાના પરીવારમાં માટે પુરતો સમય ફાળવી રહ્યા છે. અનિલ અને ડોલી એકબીજાને સતત મદદરૂપ પણ થઇ રહ્યા છે. જ્યારે ડોલી કોઇ મુશ્કેલીમાં હોય ત્યારે અનિલ તેને સાથે આપે છે અને અનિલ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે ડોલી તેની સાથે નિસ્વાર્થ ભાવનાથી ઉભી રહે છે. સોશિયલ મિડીયાથી શરૂ થયેલો સંવાદ આજે ડોલી અને અનિલના જીવનમાં અનેરો આનંદ લઇને આવ્યો છે. અનિલ અને ડોલી એકબીજાથી અનેક કિલોમીટર દુર રહીને પણ નજીક આવી ગયા છે. સોશિયલ મિડીયા પર પોતાની હસી ખુશી ગમ વ્યક્ત કરી રહ્યા છે અને પ્રેમમાં ગળાડુબ થઇને પ્રેમ કરી રહ્યા છે. દેખાવમાં ખુબ જ આકર્ષક લાગતી ડોલી અને અનિલ નિસ્વાર્થ પ્રેમ કરીને જીવનનો સાચો આનંદ લુટી રહ્યા છે.
(સત્ય ઘટનાથી પ્રેરીત, નામ બદલેલ છે)