– નીલકંઠ રો બંગ્લોઝમાં રાધા કૃષ્ણ, ચન્દ્રશેખર આઝાદ, ભગતસિંહ, ખોડીયાર માતા સહિતની વેષભુષાએ આકર્ષણ જમાવ્યુ
– સોસાયટીના તમામ બાળકો સહિત વેશભુષામાં ભાગ લેનારા બાળકોને લાણી આપી પ્રોત્સાહીત કરાયા
ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
આધ્યશક્તિ જગત જનની અંબા સહિતના માતાજીની આરાધનાનું મહાપર્વ નવરાત્રી ચાલી રહી છે અને નવ દિવસ સુધી માતાજીની આરતી સ્તુતિ કરીને આરાધના કરવામાં આવી રહી છે. વિરમગામ શહેરમાં ખેલૈયાઓનો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે નાના બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ બહાર આવે અને બાળકો પણ પોતાનામાં રહેલુ કૌશલ્ય દર્શાવી શકે તેવા ઉદેશ્યથી વિરમગામ શહેરમાં આવેલા નીલકંઠ રો બંગ્લોઝ યુવક મંડળ દ્વારા વેશભુષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. બાળકોના માતા પિતાઓ દ્વારા બાળકોને વિવિધ વેશભુષામાં તૈયાર કરવામાં આવ્યા હતા અને વેશભુષાને અનુરૂપ તૈયારીઓ કરાવવામાં આવી હતી. વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમાં રવિવારે રાત્રે બાળકો દ્વારા વેશભુષાનો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. બાળકો દ્વારા રાધા કૃષ્ણ, ક્રાંતિકારી ચન્દ્રશેખર આઝાદ, વિર ભગતસિંહ, ખોડીયાર માતા, દેવાધીદેવ મહાદેવ, ક્ષત્રીય, પરી, નેતાજી સહિતની વેશભુષાઓ રજુ કરવામાં આવી હતી અને વેશભુષાને અનુરૂપ ડાયલોગ્સ રજુ કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ વેશભુષાઓએ લોકોમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યુ હતુ અને બાળકોને તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યા હતા. વેશભુષાના કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોને પ્રોત્સાહીત કરવા માટે લાણી આપવામાં આવી હતી. આ ઉપરાંત સોસાયટીના તમામ બાળકોને પણ લાણી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, નીલકંઠ રો બંગ્લોઝના બાળકો દ્વારા મીની ગબ્બરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને વેશભુષાનો કાર્યક્રમ રજુ કરતા પહેલા બાળકોએ માતાજીની આરતી ઉતારીને આશિર્વાદ મેળવ્યા હતા.