(વંદના વાસુકિયા)
* મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે
અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકા હેલ્થ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર ખાતે ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમની રીઓરીએન્ટેશન તાલીમ તથા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આરોગ્ય વિભાગના કર્મચારીઓને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન, પ્રેક્ટીકલ, ઓડીયો વિઝ્યુઅલ માધ્યમથી તાલીમ આપવામાં આવી હતી અને કર્મચારીઓની પરીક્ષા પણ લેવામાં આવી હતી. મેન્ટલ હોસ્પિટલ હોલ અમદાવાદ ખાતે આયોજીત એનવીબીડીસીપી તાલીમને સફળ બનાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, મદદનીશ જીલ્લા મેલેરીયા અધિકારી શિલ્પા પાટીલ સહિત મેલેરીયા શાખાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાંમેલેરીયા એલીમીનેશન કરવાના નિર્ધાર કર્યો છે, જેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત કામગીરી સઘન બનાવવામાં આવી છે. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. ઉલટી ઉપકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.