ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સંલગ્ન ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી (લેપ્રસી) અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના સેવા વિસ્તારમાં આવતા લીંબડ ખાતે પપેટ શો દ્વારા ટીબી તથા રક્તપિત્ત અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની સપ્તધારા થી સ્વાસ્થ્ય ટીમ દ્વારા પપેટ શો રજુ કરીને ઉપસ્થિત લોકોને ટીબી, રક્તપિત્ત જેવા રોગોથી બચવાના ઉપાયો, ચિન્હો લક્ષણો અને સારવાર અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ જીલ્લાના ડીએનએમઓ ડો.ગીતાંજલી બોહરા, મેડીકલ ઓફિસર ડો.એસ આર પટણી, તાલુકા સુપરવાઇઝર કે.એમ. મકવાણા, નીલકંઠ વાસુકિયા, ગૌતમ શાહ, પંકિલ રાઠોડ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
અમદાવાદ જીલ્લાના ડીએનએમઓ ડો.ગીતાંજલી બોહરાએ જણાવ્યુ હતુ કે, શરીર પર કોઇ પણ પ્રકારના આછા રંગના કોઇ પણ ચાઠા હોય અને તેમાં સંવેદનાનો અભાવ હોય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ અને શંકાસ્પદ રક્તપિત્તની તપાસ કરાવવી જોઇએ. વિરમગામની સપ્તધારા ટીમ દ્વારા લીંબડ ખાતે પપેટ શો કરીને ટીબી તથા રક્તપિત્ત અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી અને રક્તપિત્તના રોગથી બચવાના ઉપાયો, રક્તપિત્તના રોગથી બચવાના ઉપાયો, રક્તપિત્તના દર્દીઓએ શુ તકેદારી રાખવી જોઇએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
પ્રા.આ.કેન્દ્ર ગૌરૈયાના મેડીકલ ઓફિસર ડો.એસ આર પટણીએ જણાવ્યુ હતુ કે, ટીબી રોગના દર્દીના ગળફા કે શ્વાસોશ્વાસ દ્વારા ટીબીના રોગના જીંવાણુઓ હવામાં ફેલાય છે અને આ દુષીત હવા શ્વાસમાં લેવાથી તંદુરસ્ત વ્યક્તીને ટીબીનો ચેપ લાગી શકે છે. સતત બે અઠવાડીયા કરતા વધુ સમયથી ખાંસી આવતી હોય તેવા વ્યક્તીને ટીબી હોઇ શકે છે, જેથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગળફાની તપાસ કરાવવી જોઇએ.