ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
૧લી મે ગુજરાત સ્થાપના દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે “ગુજરાત તારો જય થાઓ” થીમ પર ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આનંદ મંદિર ખાતે ગુજરાત સ્થાપના દિવસે ઇન્દુલાલ યાજ્ઞીક તથા રવીશંકર મહારાજને યાદ કરવામાં આવ્યા હતા. બુધવારે સવારે આનંદ મંદિર ખાતેથી રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રેલી આનંદ સ્કુલથી નિકળી વિરમગામ શહેરના વી.પી રોડ, ગોલવાડી દરવાજા, સરદાર પટેલ સ્ટેચ્યુ, વાલીયા ચોક થઇને પરત ફરી હતી. આ વિશાળ રેલીમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત અનેક લોકો જોડાયા હતા.
વિરમગામ શહેરની જાણીતી શૈક્ષણીક સંસ્થા આનંદ મંદિરના ગોકુલ પટેલે જણાવ્યુ હતુ કે, ૧લી મે ગુજરાત સ્થાપના દિવસની આનંદ મંદિર શાળા દ્વારા “ગુજરાત તારો જય થાઓ” થીમ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યની સ્થાપના પુર્વે તથા રાજ્યની સ્થાપના અંગે વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી. ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી હતી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતા. ઇ.સ. ૧૯૫૬માં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા હતા. આ નવા રાજ્યના ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને ગુજરાતી રાજ્ય, મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મેં ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગ મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા હતા. આ દિવસની ઉજવણી ગૌરવ દિવસ તરીકે પણ કરવામાં આવે છે.