– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક આત્મારામભાઈ સરતાનભાઈ દેસાઈએ પોતે કરીયાવર સહિતનો લગ્નનો ખર્ચ ઊઠાવ્યો
– બધા જ હિન્દુઓ એક માતાના સંતાન છે તેઓ ભાવ હંમેશા ભારતની સંસ્કૃતિમાં રહેલો છે.
ન્યૂઝ. વિરમગામ
તસવીર- વંદના વાસુકિયા
ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કેટલાક લોકો દ્વારા સામાજિક અશાંતિ ફેલાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ બધા જ હિન્દુઓ એક માતાના સંતાન છે તેઓ ભાવ હંમેશા ભારતની સંસ્કૃતિમાં રહેલો છે. જેને ચરિતાર્થ કરતા પાટણ જિલ્લાના અજીમાણા ગામમાં સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે વર્ષોથી જોડાયેલ એક દેસાઈ પરિવારે પોતાની દિકરીના લગ્નની સાથે સાથે વાલ્મિકી સમાજની સાત દીકરીઓના પણ સમૂહ લગ્નના માંડવા રોપી સાધૂ સંતના આશીર્વાદ સાથે લગ્ન કરાવી ગૃહસ્થાશ્રમમાં મંગલ પ્રવેશ કરાવ્યો હતો.
સમરસતાની ભાવનાને ચરિતાર્થ કરતા તારીખ 26/04/18 ને ગુરુવારના રોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અજીમાણા ગામે રહેતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક આત્મારામભાઈ સરતાનભાઈ દેસાઈએ પોતાની દીકરીના લગ્નના દિવસે જ અજીમાણા ગામે પાટણવાડા 92 ગામ વાલ્મિકી સમાજની સાત દીકરીઓના સમૂહલગ્નમાં મંડપ અને જમણવારનો સંપુર્ણ ખર્ચ જાતે ભોગવી ગ્રામજનોના સહિત પાટણ વાડા 92 ગામ વણકર સમાજનાં સાથ સહકારથી કન્યાઓને વિવિધ ભેટ સોગાદો આપી પોતાની દીકરીની સાથે જ વાલ્મિકી સમાજની સાત દીકરીઓનાં કન્યાદાન કરી હિન્દુ સમાજની સમરસતાની ભાવનાને ઉજાગર કરી હતી.
આ લગ્ન પ્રસંગે પ્રભૂતામાં પગલાં પડનાર નવદંપતિઓને ઢીમાનાં સંત શિરોમણી મહામંડલેશ્વર પ.પૂ. સ્વામી જાનકીદાસજી મહારાજ તેમજ વાલ્મિકી સમાજની ગુરૂગાદિ આખજનાં પ.પૂ નરેશદાસ બાપુએ ખાસ પધારીને આશીર્વાદ આપ્યાં હતાં. આ ઉપરાંત મહેસાણા વિભાગના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક ખેમચંદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાધુ સંતો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક સમરસતાના કાર્યમાં સહભાગી બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડનાર દીકરીઓની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો અને તેમના જીવનસાથીની સાથે નવીન જીંદગીની શરૂઆત કરવાના શુભ અવસરે જ્ઞાતિ સમરસતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સદાય આ રીતે ગામમાં, રાજ્યમાં અને દેશમાં આ પ્રકારનો માહોલ ઉભો થાય તેવી આશા વ્યક્ત કરી હતી.