– તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતેથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા મેલેરીયા જનજાગૃતિ રેલી કાઢવામાં આવી
– આરોગ્ય કર્મચારીઓ દ્વારા મેલેરીયાના જોખમી વિસ્તારોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી
ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના વાસુકિયા
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા ૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા દિનની ઉજવણીના ભાગરૂપે રેલી અને શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અમદાવાદ જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.સ્વામિ કાપડીયાએ લીલી ઝંડી બતાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ વિરમગામ તાલુકામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા મેલેરીયાના જોખમી વિસ્તારોમાં જઇને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને લોકોને વિશ્વ મેલેરીયા દિવસના સુત્ર “મેલેરીયાને હરાવવા માટે તૈયાર” સહિત મેલેરીયાથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા, નીલકંઠ વાસુકીયા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં મેલેરીયા એલીમીનેશન કરવાનો નિર્ધાર કર્યો છે, જેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત કામગીરી સઘન બનાવવામાં આવી છે. આપણે થોડી સાવચેતી રાખીએ તો મેલેરીયાથી ચોક્કસ બચી શકાય છે. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. ઉલટી ઉપકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.
તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણાએ જણાવ્યુ હતુ કે, તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે વિરમગામ શહેરમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને લોકોને મેલેરીયા રોગ વિશે જાગૃત કરવામાં હતા. વિશ્વ મેલેરીયા દિનના સુત્ર “મેલેરીયાને હરાવવા માટે તૈયાર” વિશે સમજ આપવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને લોકોને મેલેરીયા રોગથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. વિરમગામ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ૧૦૪ ટોલ ફ્રી ફિવર હેલ્પ લાઇન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
બોકસઃ-
વિશ્વ મેલેરીયા દિન નિમિત્તે અમદાવાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા
તાલુકા હેલ્થ ઓફિસ બાવળા ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ મેલેરીયા દિન નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી. જેમાં જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા લીલી ઝંડી બતાવીને રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રેલી, બાઇક રેલી, જન જાગૃતિ શિબિર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા મેલેરીયાના જોખમી વિસ્તારોમાં સર્વેલન્સની સાથે પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.