વિરમગામ સી.આઇ.એસ.એફ ના જવાનો દ્વારા વિરમગામમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે
ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
આઇ.ઓ.સી.એલ વિરમગામ ખાતે ફરજ બજાવતા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સીક્યુરીટી ફોર્સ(સી.આઇ.એસ.એફ) ના જવાનોએ પોતાના ખર્ચે ગરીબ નિસહાય પરીવારોને ધાબળા, ટોપી સહિતના ગરમ કપડાનું વિતરણ કર્યુ હતુ. ગરીબ પરીવારોને ગરમ કપડાના વિતરણનું કાર્ય જીવાભાઇ સોલંકીની પ્રેરણાથી કરવામાં આવ્યુ હતુ. વિરમગામના 37 પરીવારોને સી.આઇ.એસ.એફ ના જવાનો દ્વારા ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.આઇ.એસ.એફ ના આસિસ્ટન્ટ કમાન્ડર મોહનલાલ, સબ ઇન્સપેક્ટર અનંતકુમાર નિરાલા સહિતના સીઆઇ.એસ.એફ ના જવાનોએ જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે વિરમગામ સી.આઇ.એસ.એફ ના જવાનો દ્વારા વિરમગામમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને‘સ્વચ્છતા હી સેવા આંદોલન’માં સહભાગી બનવા માટે આહવાન કર્યુ હતુ અને “2જી ઓક્ટોબરના રોજ ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીની શરૂઆત કરવામા આવી હતી ત્યારે વિરમગામ સીઆઇએસએફ જવાનો દ્વારા સમયાંતરે વિરમગામના વિવિધ સ્થાનો પર સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતમાં સીઆઇએસએફ જવાનો દ્વારા વિરમગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંધી હોસ્પિટલના પ્રાંગણમાં સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સીઆઇએસએફ જવાનો દ્વારા વિરમગામના સ્વામિનારાયણ મંદિર, ઐતિહાસિક મુનસર તળાવની સફાઇ કરવામાં આવી હતી અને મુનસર તળાવના કિનારા પર આવેલા શિવ મહેલમાં સફાઇ કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરવામાં આવેલ કામગીરીમાં વિરમગામના સીઆઇએસએફ જવાનો ઉત્સાહભેર જોડાયા હતા.