– વિરમગામ તાલુકામાં માતા અને બાળકો માટે આયોજીત મેડિકલ કેમ્પમાં ૫૧૦ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી
– આયુષ્યમાન ભારત દિવસે ગાયત્રી પરીવાર સગર્ભા બહેનો માટે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ
ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના વાસુકિયા
ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મેલજ તથા વનથળ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા માતા અને બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મેલજ ખાતે ૨૩૬ અને વનથળ ગામમાં ૨૭૪ લાભાર્થીઓની આરોગ્ય તપાસ સહિત કુલ વિરમગામ તાલુકામાં ૫૧૦ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સગર્ભા બહેનો તથા હ્રદય રોગના દર્દીઓની ઇ.સી.જી (કાર્ડીયોગ્રામ) કાઢી જરૂરી સલાહ સારવાર આપવામાં આવી હતી. જરૂરીયાત મુજબ લાભાર્થીઓની લેબોરેટરીની તપાસ કરવામાં આવી હતી અને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ ઉપરાંત કેમ્પના સ્થળ પર આરોગ્ય વિષયક પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ હતુ. જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યુ હતુ. ગાયત્રી પરીવાર સગર્ભા બહેનો માટે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને સગર્ભા બહેનોને જરૂરી માહીતી આપવામાં આવી હતી. કેમ્પના સ્થળ પર મુખ્યમંત્રી અમૃતમ યોજના લાભાર્થીઓને મુખ્યમંત્રી અમૃતમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. વિરમગામ તાલુકામાં આયોજીત કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા આરસીએચ અધિકારી ડો.ગૌતમ નાયક, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો.રવિન્દ્રસિંહ વાઘેલા, ડો.પ્રિયંકા શાહ, ડો.સંગીતા પટણી, ડો.ઝંખના જયસ્વાલ, આયુષ મેડિકલ ઓફિસરો, આરબીએસકે મેડિકલ ઓફિસર, સુપરવાઇઝરો સહિતના આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
વિરમગામ તાલુકાના ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો.રવિન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વિરમગામ તાલુકામાં મેલજ તથા વનથળ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા માતા અને બાળકો માટે આયોજીત મેડિકલ કેમ્પમાં ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ કરીને આહાર તથા પોષણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. સગર્ભા બહેનોની વજન, ઉંચાઇ, લોહી તથા પેશાબની તપાસ, બ્લડપ્રેશર, ડાયાબીટીશની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સગર્ભા બહેનો તથા હ્રદયરોગના દર્દીના ઇ.સી.જી કાઢી જરૂરી સલાહ સારવાર આપવામાં આવી હતી. કેમ્પમાં આવેલ લાભાર્થીઓને સરકારની વિવિધ આરોગ્ય વિષયક યોજનાઓ અંગે વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી.